Amreli : રાજુલા નજીક રેસ્ક્યૂ સમયે બે વન કર્મચારીઓ ઉપર સિંહનો હુમલો

📅 Published: September 27, 2026 | 📂 Category: Amreli

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના નવી બારપટોળી ગામની સીમમાં બીમાર સિંહનું રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન સિંહે અચાનક વનવિભાગના બે કર્મચારીઓ પર હુમલો કરતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ હુમલામાં ફોરેસ્ટર અને ટ્રેકરને ગંભીર ઈજાઓ થતાં બંનેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ્, હુમલા દરમિયાન ફોરેસ્ટરની લાયસન્સવાળી રિવોલ્વર અને છ જીવતા કારતૂસ ગુમ થઈ જતાં વનવિભાગમાં દોડધામ મચી હતી. સિંહને પકડવા રીંગ પાંજરૂ મુકવામાં આવ્યુ છે.રાજુલા તાલુકાના નવી બારપટોળી ગામની સીમમાં નવ વર્ષથી વધુ વયનો એક બીમાર સિંહ હોવાનું જાણવા મળતાં વનવિભાગ દ્વારા તેને બચાવવા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન સિંહે અચાનક હુમલો કરતાં ફોરેસ્ટર એમ.જે. ખાવડીયાને કમરના ભાગે અને ટ્રેકર ભરત જોગદીયાને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંનેને તાત્કાલિક રાજુલાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ટ્રેકરની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ફોરેસ્ટરની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. સિંહના અચાનક હુમલા બાદ સર્જાયેલી અફરાતફરી દરમિયાન ફોરેસ્ટર ખાવડીયાની ખાનગી લાયસન્સવાળી રિવોલ્વર અને છ જીવતા કારતૂસ ઘટનાસ્થળે પડી જતાં ગુમ થઈ ગયાં હતાં. વનકર્મીઓએ પ્રાથમિક શોધખોળ હાથ ધરી હતી, પરંતુ રિવોલ્વર અને કારતૂસ મળી આવ્યાં ન હતાં. જેથી આ મામલે રાજુલા પોલીસને જાણ કરવામાં આવી હતી. હવે વનવિભાગની મદદથી પોલીસ દ્વારા ગુમ થયેલી રિવોલ્વર અને કારતૂસ શોધવા કવાયત હાથ ધરવામાં આવી છે. આ મુદ્દે શેત્રુંજી ડિવિઝનના અધિકારી ચિરાગ અમીને જણાવ્યું હતું કે, બીમાર અને ઈજાગ્રસ્ત સિંહનું રેસ્ક્યૂ કરતી વખતે આ આકસ્મિક ઘટના બની હતી, જેમાં બે વનકર્મીઓને ઈજા થઈ છે. ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે વેટરનરી તબીબોની ટીમની મદદથી સુરક્ષિત રીતે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવશે. સિંહને શોધવા માટે વનવિભાગનું પેટ્રોલિંગ ચાલુ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *