Amreli News: અડતાળામાં ઉપસરપંચ જીતુ વાળાની શોધખોળ માટે IPS સહિતના અધિકારીઓ દોડતા થયા

📅 Published: November 19, 2026 | 📂 Category: Amreli

અમરેલીના લાઠી તાલુકાના અડતાળા ગામે પાણી મુદ્દે સર્જાયેલી તકરાર બાદ હુમલો થતાં ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે.અડતાળાના ઉપસરપંચ જીતુ વાળાનો હાથમાં રિવોલ્વર તેમજ ધોકા સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે.ધોકા વડે કરાયેલા આ હુમલાના પગલે પોલીસ મથકે હત્યાના પ્રયાસની ગંભીર ફરિયાદ નોંધવામાં આવી હતી.આ ગુનો દાખલ થયા બાદ સમગ્ર પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું છે અને બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તપાસનો ધમધમાટ તેજ કરી દેવામાં આવ્યો છે.આ હિંસક બનાવના કારણે ગ્રામીણ વિસ્તારમાં ભયનો માહોલ ન ફેલાય તે માટે પોલીસ દ્વારા તાત્કાલિક કડક પગલાં ભરવામાં આવ્યા છે.

હથિયાર સાથેના વાયરલ વીડિયો બાદ તપાસ તેજ 

ઘટનાની ગંભીરતાને જોતાં આઈપીએસ અધિકારી જયવીર ગઢવી,ડીવાયએસપી,લોકલ ક્રાઈમ બ્રાન્ચ,એસઓજી તેમજ પીજીવીસીએલ સહિતની વિવિધ સરકારી ટીમો સીધી અડતાળા ગામે પહોંચી ગઈ હતી.પોલીસના અત્યંત મોટા કાફલા સાથે આરોપીના ઘરે સઘન કોમ્બિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ ઉપરાંત તપાસનીશ ટીમો દ્વારા અડતાળા ગ્રામ પંચાયત કચેરીમાં પણ જઈને ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે.આરોપીના ઘરે રહેલા પાણીના કનેક્શન તેમજ વીજ કનેક્શન કાયદેસર છે કે પછી ગેરકાયદેસર રીતે લેવાયેલા છે તે અંગે પીજીવીસીએલ અને સંબંધિત તંત્ર દ્વારા સ્થળ પર ઊંડાણપૂર્વક ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે.કોઈપણ પ્રકારની ગેરરીતિ સામે આકરી કાનૂની કાર્યવાહી કરવા માટે આ સંયુક્ત વહીવટી તપાસ આદરવામાં આવી છે.

ગ્રામપંચાયત કચેરીમાં પણ તપાસ હાથ ધરી  

સમગ્ર ગામમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંપૂર્ણપણે જળવાઈ રહે અને અસામાજિક તત્વોમાં કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેવો સ્પષ્ટ કડક સંદેશ પહોંચાડવા માટે પોલીસે ગામમાં ધામા નાખ્યા છે.ગામના તમામ વિસ્તારોમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી ગ્રામજનોમાં સુરક્ષાની મજબૂત ખાતરી આપવામાં આવી રહી છે.બીજી તરફ આ ચકચારી કેસમાં મુખ્ય આરોપી એવા કોંગ્રેસ અગ્રણી અને ઉપસરપંચ જીતુ વાળાની તાકીદે ધરપકડ કરવા માટે પોલીસે ચારેય તરફ ચક્રો ગતિમાન કર્યા છે.ફરાર થઈ ગયેલા આરોપીને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ વિશેષ ટીમોની રચના કરવામાં આવી છે.આ પોલીસ ટીમો આરોપીના સંભવિત તમામ આશ્રયસ્થાનો પર દરોડા પાડી રહી છે અને ઝડપી ધરપકડ માટે દબાણ વધારી રહી છે.

આ પણ વાંચોઃ Rajkot News: સોની બજારમાં ફરિયાદી જ નીકળ્યો લૂંટનો માસ્ટરમાઈન્ડ, 4 લાખના સોનું લૂંટવા તરકટ રચ્યું


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *