અમરેલી જિલ્લામાં સક્રિય થયેલા ખનીજ માફિયાઓ સામે ખાણ-ખનીજ વિભાગે હવે લાલ આંખ કરી છે. ખાણ ખનિજ વિભાગે ગેરકાયદે ખનન અને વહન સામે ચુસ્ત પગલાં લઈ રહ્યું છે, જેના ભાગરૂપે અમરેલીના વાંકીયા ગામે ખાણ-ખનીજ વિભાગની ટીમે ઓચિંતી રેડ કરી હતી. આ દરોડાને કારણે ખનીજ ચોરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
32 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરાયો
વાંકીયા ગામે હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન ખાણ-ખનીજ વિભાગે ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલા વાહનો અને સાધનો જપ્ત કર્યા છે. દરોડામાં 2 ડમ્પર, 2 ટ્રેક્ટર તેમજ રેતી ચાળવાના ચારણા જપ્ત કરવામાં આવ્યા છે. આમ કુલ મળીને અંદાજે 32 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તંત્રની આ કડક કાર્યવાહીથી રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
ચાલુ માસ અને વર્ષ દરમિયાન તંત્રની મોટી કામગીરી
અમરેલી જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી જે. આર. સાવનેરના માર્ગદર્શન હેઠળ ખાણ-ખનીજ વિભાગ સઘન ઝુંબેશ ચલાવી રહ્યું છે. પ્રાપ્ત આંકડાઓ મુજબ, ચાલુ માસ દરમિયાન વિભાગ દ્વારા કુલ 23 કેસો નોંધીને 150 લાખ (1.5 કરોડ) રૂપિયાની માતબર રકમ દંડ તરીકે વસૂલવામાં આવી છે. જ્યારે ચાલુ વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં કુલ 130 કેસો કરીને 170 લાખ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે.

ઇકો સેન્સેટિવ ઝોનને કારણે લીઝ શક્ય નથી અને ચોરીની ફરિયાદો નોંધાઈ
ખાણ ખનિજ વિભાગના જણાવ્યા અનુસાર, વિસ્તારમાં ઇકો સેન્સેટિવ ઝોન અને લાઇન કોરિડોર હોવાના કારણે અહીં કાયદેસરની લીઝ કે બ્લોકપદ્ધતિ શક્ય બનતી નથી. આ નિયમોનો ગેરલાભ લઈને ખનીજ ચોરો સક્રિય બન્યા છે. એટલું જ નહીં, અગાઉ ખાણ-ખનીજ વિભાગ દ્વારા સીઝ કરવામાં આવેલો ખનીજનો જથ્થો ચોરાઈ જવાના મામલે પણ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોંધવામાં આવી છે, જે તંત્રની કડક કાર્યવાહી દર્શાવે છે.
આ પણ વાંચો: Amreli: બગસરા-ધારી બાયપાસ પર કન્ટેનર પલટતાં હજારો લિટર તેલ રોડ પર વહ્યું, લોકોમાં તેલ ભરવા દોડધામ
