અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ખંભાળા ગ્રાસલેન્ડ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે વિદેશી દારૂના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. SMC દ્વારા કરવામાં આવેલા આ ઓપરેશનમાં લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાતા સ્થાનિક પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.આ દરોડા દરમિયાન સ્થળ પરથી રવિરાજ ખાચર અને રઘુવીર ખાચર નામના બે કુખ્યાત બૂટલેગરો પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.
અંદાજે રૂ. 19 લાખનો મુદ્દામાલ કબજે કરી લીધો
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાબરાના ખંભાળા ગ્રાસલેન્ડ વિસ્તારમાં અચાનક દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન બૂટલેગરો દ્વારા છુપાવવામાં આવેલી વિદેશી દારૂની 3013 બોટલો જપ્ત કરવામાં આવી હતી. જપ્ત કરાયેલા દારૂના આ જથ્થાની બજાર કિંમત અંદાજે રૂ. 8 લાખ 44 હજાર જેટલી થાય છે. દારૂના આ મોટા જથ્થા ઉપરાંત પોલીસે સ્થળ પરથી હેરફેર માટે ઉપયોગમાં લેવાતા 3 વાહનો સહિત કુલ મળીને અંદાજે રૂ. 19 લાખનો મુદ્દામાલ કબજે કરી લીધો છે.
બે કુખ્યાત બૂટલેગરો પોલીસના હાથે ઝડપાઈ ગયા
આ દરોડા દરમિયાન સ્થળ પરથી રવિરાજ ખાચર અને રઘુવીર ખાચર નામના બે કુખ્યાત બૂટલેગરો પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. તેમની સઘન પૂછપરછ અને તપાસ દરમિયાન આ સમગ્ર કારોબાર સાથે સંકળાયેલા અન્ય સાગરિતોના નામ પણ બહાર આવ્યા છે. જેમાં લાલા ગરણીયા, મૌલિક તેરૈયા અને દેસૂર ગઢવી નામના ત્રણ શખ્સોના નામ ખૂલતા પોલીસે તેમની સંડોવણી અંગે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
બે કુખ્યાત બૂટલેગરો પોલીસના હાથે ઝડપાઈ ગયા
આ દરોડાના માત્ર એક દિવસ અગાઉ જ બાબરા પોલીસે એમ્બ્યુલન્સ જેવા ઇમરજન્સી વાહનની આડમાં થતી દારૂની ગેરકાયદેસર હેરફેરનો પર્દાફાશ કર્યો હતો. સ્થાનિક પોલીસની આ કાર્યવાહી બાદ તરત જ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા 3 હજારથી વધુ વિદેશી દારૂની બોટલોનો મોટો જથ્થો પકડી પાડવામાં આવતા સ્થાનિક પોલીસની કામગીરી અને સતર્કતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિક પોલીસની પકડમાંથી આટલો મોટો જથ્થો કેમ છૂટી ગયો અને બૂટલેગરો બેરોકટોક પ્રવૃત્તિઓ કેવી રીતે ચલાવતા હતા તે અંગે પોલીસ વિભાગમાં અંદરખાને ભારે ચર્ચા જાગી છે.
