આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં આવેલ બોરસદ-ભાદરણ માર્ગ પર અચાનક એક ભીષણ અગ્નિકાંડની ઘટના સામે આવી છે. ઊંટવાડીયા તળાવ નજીક આવેલા એક કબાડીના (ભંગારના) ગોડાઉનમાં અચાનક જ આગ ભુકી ઉઠતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. ગોડાઉનમાં રહેલા જ્વલનશીલ સમાનના કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
કબાડીનો સામાન બળીને થયો ભસ્મીભૂત
આગ એટલી ઝડપથી પ્રસરી હતી કે જોતજોતામાં આખું કબાડીનું ગોડાઉન તેની ઝપેટમાં આવી ગયું હતું. ગોડાઉનમાં રાખવામાં આવેલો તમામ કબાડીનો સામાન અને માલસામાન બળીને સંપૂર્ણપણે ભસ્મીભૂત થઈ ગયો હતો. ઘટનાના કારણે ગોડાઉન માલિકને મોટાપાયે આર્થિક નુકસાન થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ધુમાડાના કાળા ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા.

ફાયર બ્રિગેડે મેળવ્યો આગ પર કાબૂ, જાનહાની ટળી
બનાવની જાણ થતાં જ બોરસદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ કલાકો સુધી પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આ વિકરાળ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ આગ લાગવાનું ચોક્કસ કારણ હાલ અકબંધ રહ્યું છે. સદનસીબે આ અગ્નિકાંડની મોટી ઘટનામાં કોઈ જાનહાની ન થતાં તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.
