Anand: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે ઉપર બોરિયાવી પાસે અકસ્માતમાં પાંચના મોત

📅 Published: September 30, 2026 | 📂 Category: Anand

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર બોરીયાવી ગામની સીમમાં બુધવારે વહેલી સવારે સવા ત્રણ વાગ્યે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં પાંચ મુસાફરોનાં કરુણ મોત નીપજ્યાં હતાં, જ્યારે પાંચ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. સુરતથી રાજસ્થાનના નાથદ્વારા તરફ્ જઈ રહેલી લક્ઝરી બસ આગળ જતી ટ્રકને ઓવરટેક કરવાની લ્હાયમાં પાછળ ધડાકાભેર અથડાતાં બસનું આખું પડખું ચીરાઈ ગયું હતું. ચાર મુસાફરોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા, જ્યારે એકનું નડિયાદ સિવિલમાં સારવાર દરમિયાન દમ તોડયો હતો.

દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓમાં મુરલી મનોહરસિંહ જગદીશસિંહ (બિકાનેર, રાજસ્થાન), નિખિલ તુલસીરામ સુથાર (માવલી થામલા, રાજસ્થાન), કૈલાશચંદ્ર રામચંદર કુમાવત (પીપલી આચેન, રાજસ્થાન), આબીદહુસેન અબ્દુલ વાહીદ અન્સારી (સારન, બિહાર) અને જીતેન્દ્રસિંહ નટવરસિંહ ઝાલા (પ્રાંતિજ, સાબરકાંઠા)નો સમાવેશ થાય છે.

જ્યારે ઈજાગ્રસ્તોમાં વિશાલ સુભાષભાઈ ત્રિવેદી (ઝાલોર, રાજસ્થાન), રમેશભાઈ શાંતિલાલ શર્મા (સુરત), ગણેશભાઈ કનુભાઈ જાદવ (સુરત), વિષ્ણુજીત રણજીત મંડલ (માલદા, પશ્ચિમ બંગાળ) અને રજનીભાઈ કરશન (અજમેર, રાજસ્થાન)ને વધુ સારવાર અર્થે નડિયાદ, આણંદ અને અમદાવાદની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.

ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ અને એક્સપ્રેસ વેની પેટ્રોલિંગ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આણંદ ગ્રામ્ય પોલીસે ક્રેનની મદદથી ક્ષતિગ્રસ્ત વાહનોને ખસેડી માર્ગ પર વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *