Anand: આંકલાવના નવાખલ સરપંચ દિલીપ સોલંકી સામે દુષ્કર્મની ફરિયાદ, પોલીસે સરપંચની ધરપકડ કરી

📅 Published: September 20, 2026 | 📂 Category: Anand

આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાં આવેલ નવાખલ ગામમાં એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગામના પ્રથમ નાગરિક ગણાતા સરપંચ દિલીપ સોલંકી સામે જ ગામની એક પરિણીત મહિલાએ દુષ્કર્મ અને ધમકી આપવાની ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધાવતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે ભારે ચકચાર મચી ગઈ છે.

નવાખલમાં સરપંચ દિલીપ સોલંકી સામે દુષ્કર્મની ફરિયાદ

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપી સરપંચ દિલીપ સોલંકીએ પ્રથમ પરિણીતાના પતિ સાથે ગાઢ મિત્રતા કેળવી હતી. ત્યારબાદ પતિ સાથેની મિત્રતાનો ગેરલાભ ઉઠાવી મહિલાને પોતાની જાળમાં ફસાવી હતી. સરપંચે મહિલાને વિવિધ બહાના હેઠળ અલગ-અલગ સ્થળોએ બોલાવી તેની સાથે વિરુદ્ધ મરજીથી દુષ્કર્મ આચર્યું હતું. આટલું જ નહીં, આ વાતની જાણ કોઈને કરશે તો પરિણીતાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.

પરિણીતાને જાનથી મારી નાખવાની ધમકી આપી આચર્યું કુકર્મ

સરપંચના ત્રાસ અને ધમકીઓથી કંટાળીને આખરે પરિણીતાએ હિંમત દર્શાવી આંકલાવ પોલીસ સ્ટેશનમાં ન્યાય માટે પહોંચી હતી. પરિણીતાની લેખિત ફરિયાદના આધારે આંકલાવ પોલીસે નવાખલના સરપંચ દિલીપ સોલંકી વિરુદ્ધ દુષ્કર્મ અને ધાક-ધમકી સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.ગામના સરપંચ સામે ગુનો નોંધાતાં જ પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપી સરપંચ દિલીપ સોલંકીની તાત્કાલિક અટકાયત કરી લીધી છે. લોકપ્રતિનિધિ અને ગામના સરપંચ સામે આટલા ગંભીર આક્ષેપો અને તેમની ધરપકડથી નવાખલ ગામ સહિત સમગ્ર આંકલાવ તાલુકાના રાજકારણમાં અને ગ્રામજનોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. પોલીસ દ્વારા હાલ આરોપીની કડક પૂછપરછ અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.

આ પણ વાંચો: Amreli: બગસરા-ધારી બાયપાસ પર કન્ટેનર પલટતાં હજારો લિટર તેલ રોડ પર વહ્યું, લોકોમાં તેલ ભરવા દોડધામ



📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *