Anand : ઈમરજન્સી કોલ બોક્સ શો-પીસ બની ગયા

📅 Published: November 26, 2026 | 📂 Category: Anand

નાગરિકો મુશ્કેલીમાં મુકાય ત્યારે એક બટન દબાવતાં જ પોલીસ મળી રહે તેવા આશયથી આણંદ અને વિદ્યાનગરમાં લાખો રૂપિયાના ખર્ચે ઉભી કરાયેલી ઈમરજન્સી કોલ બોક્સની સુરક્ષા વ્યવસ્થા જ કટોકટીમાં મુકાઈ છે. બંને શહેરોમાં વિવિધ સ્થળોએ મુકાયેલા અંદાજે 7 થી 8 કોલ બોક્સ છેલ્લા કેટલાક સમયથી બંધ હાલતમાં છે. કેટલાક કોલ બોક્સની આસપાસ પાણી ભરાવાની સમસ્યા તો ક્યાંક ટેકનિકલ ખામી સહિતના કારણોસર આ સુવિધા ઠપ થઈ હોવાનું કહેવાય છે. પ્રતિ બોક્સ અંદાજે રૂ.3 લાખના ખર્ચના આધારે કુલ રૂ. 20 લાખની આસપાસનું રોકાણ થયું હોવા છતાં નાગરિકોને તેનો લાભ મળતો નથી. પરિણામે સુરક્ષાના નામે ઉભી કરાયેલી આ વ્યવસ્થા હાલ શોભાના ગાંઠિયા સમાન બની છે.

આણંદ શહેરના શાસ્ત્રીબાગ, નવા બસ મથક સામે આવેલા બાગની બહાર, લોટિયા ભાગોળ નજીક સહિતના સ્થળો તેમજ વિદ્યાનગરમાં બાગ-બગીચા આસપાસ આ કોલ બોક્સ સ્થાપિત કરાયા છે. ખાસ કરીને મહિલા, સીનિયર સિટીઝન, સગીર વયના બાળકો કે અન્ય કોઈ નાગરિક મુશ્કેલીમાં મુકાય, અસામાજીક તત્વોનો સામનો કરવો પડે અથવા કોઈ ગુનાહિત ઘટના બને ત્યારે બટન દબાવી પોલીસ સહિતના તંત્ર સુધી તાત્કાલિક જાણ કરી શકાય તેવો તેનો હેતુ હતો પરંતુ હાલ આ બોક્સનું બટન દબાવવા છતાં સામેથી કોઈ જવાબ મળતો ન હોવાથી જરૂરિયાતના સમયે નાગરિકો માટે ઉભી કરાયેલી સુવિધા જ નિર્થક બની છે. બીજી તરફ કેટલાક કોલ બોક્સની આસપાસ પાણી ભરાઈ જતું હોવાની સમસ્યા હોવાનુંક હેવાય છે. જ્યારે અન્ય સ્થળોએ ટેકનિકલ ખામી કે બીજા કારણોસર ઉપકરણો કાર્યરત ન હોવાની ચર્ચા છે. જો પાણી ભરાવા જેવી સામાન્ય સમસ્યા કે ટેકનિકલ ખામીના કારણે લાખો રૂપિયાની સુરક્ષા વ્યવસ્થા બંધ પડી હોય તો તેના સમયસર નિરાકરણ માટેની જાળવણી વ્યવસ્થા ક્યાં છે તે મોટો સવાલ છે. ઉપકરણો સ્થાપતિ કર્યા બાદ તેની નિયમિત ચકાસણી, સમારકામ અને કાર્યક્ષમતા જાળવવાની જવાબદારી નક્કી કરવામાં આવી હતી કેમ તે અંગે પણ સ્પષ્ટતા થવી જરૂરી છે.

આ કોલ બોક્સની જાળવણીની જવાબદારી કરમસદ-આણંદ મહાનગરપાલિકા ઉપરાંત પોલીસ તંત્રની પણ હોવાનું કહેવાય છે અને તેની કામીરી એજન્સી મારફતે કરાવવામાં આવી હોવાનું જાણવા મળે છે. આમ છતાં છેલ્લા કેટલાક સમયથી ઉપકરણો બંધ હોવા છતાં તેને ફરી કાર્યરત કરવા માટે અસરકાર કાર્યવાહી કેમ થઈ નથી તેવો સવાલ નાગરિકો ઉઠાવી રહ્યા છે. પ્રજાના ટેક્સના નાણાંમાંથી થયેલા લાખો રૂપિયાના ખર્ચનો હેતુ જળવાઈ રહે તે માટે મહાનગરપાલિકા અને પોલીસ તંત્રએ સંકલન કરીને તમામ કોલ બોક્સનું ટેકનિકલ ઓડિટ કરાવી પાણી ભરાવાની સમસ્યા સહિતની ખામીઓ દૂર કરી તાત્કાલિક કાર્યરત કરવા જોઈએ તેવી માંગ ઉઠી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *