Anand : ઓડમાં દારૂખાનાની લારીમાં આગથી અફરાતફરી

📅 Published: October 29, 2026 | 📂 Category: Anand

આણંદ જીલ્લાના ઓડ ગામે બસ સ્ટેન્ડ નજીક દારૂખાનાથી ભરેલી લારીમાં આજે બપોરે અચાનક આગ ભભૂકી ઉઠતાં વિસ્તારમાં અફરાતફરી મચી હતી. ઘટનાસ્થળની નજીક જ બસ સ્ટેન્ડ, કન્યાશાળા અને નગરપાલિકા જેવા જાહેર સ્થળો આવેલાં હોવાથી વિદ્યાર્થીઓ, મુસાફરો અને નાગરિકોની અવરજવર રહે છે. આવી સંવેદનશીલ જગ્યાએ દારૂખાનાથી ભરેલી લારી ઉભી રાખવામાં આવી હોવા છતાં સુરક્ષાનાં પૂરતાં પગલાં લેવાયાં હતાં કે કેમ તે તપાસનો વિષય બન્યો છે. બપોરે એકાએક આ આગને પગલે સમગ્ર વિસ્તાર દારૂખાનાના મોટા અવાજથી ધણધણી ઉઠયો હતો. જેના પગલે લોકોમાં સલામતીને લઈને ચિંતા પ્રસરી હતી. જોકે નગરપાલિકાના ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે જાહેર સ્થળોની નજીક જ જ્વલનશીલ દારૂખાનાના વેપાર સામે અને લોકોની સલામતીની જાળવણીમાં તંત્રની જવાબદારી સામે ગંભીર સવાલો ઉઠયા છે.

સ્થાનિકોમાં જણાવ્યા મુજબ લારીમાં આગ બુઝાવવાના પૂરતાં સાધનોનો પણ અભાવ હતો. જોકે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાની વિગતો સામે આવી નથી. પરંતુ કોઈ વ્યક્તિ દાઝી હોત તો તેની જવાબદારી કોની હોત તેવો સવાલ લોકોમાં ચર્ચાઈ રહ્યો છે. આ ઘટનાએ લારીમાં દારૂખાનાના વેચાણ માટે જરૂરી લાઈસન્સ હતું કે નહીં જો હતું તો તે કયા અધિકારીએ અને કઈ શરતો હેઠળ આપ્યું હતું તેમજ સ્થળની પસંદગી અને અગ્નિસુરક્ષાના નિયમોનું પાલન થયું હતું કે કેમ તે મુદ્દે તપાસ અનિવાર્ય બનાવી છે. પરવાનગી અને સુરક્ષાના નિયમોની ચકાસણી કર્યા વિના આવા જોખમી વેપારને ચલાવવા દેવામાં આવ્યે હોય તો તે ગંભીર બેદરકારી ગણાય.

ઉલ્લેખનીય છે કે ઓડ પૂરતું જ નહીં, દિવાળીના તહેવારને અનુલક્ષીને આણંદ જીલ્લાના વિવિધ વિસ્તારોમાં જાહેર માર્ગોની આસપાસ લારીઓ, હંગામી સ્ટોલ અને તાત્કાલિક બાંધકામો મારફતે દારૂખાનાનું વેચાણ થતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. આવા વેપલા નિયંત્રણ રાખવાની જવાબદારી ધરાવતા પોલીસ તંત્ર, મામલતદાર, પ્રાંત અધિકારી અને અન્ય સંબંધીત સત્તાધિશોની દેખરેખ સામે પણ સવાલો ઉભા થયા છે. નિયમવિરૂદ્ધ પ્રવૃત્તિઓ ચાલતી હોવા છતાં અસરકારક કાર્યવાહી થતી ન હોય તો તે તંત્રની કામગીરીની ગંભીર ખામી દર્શાવે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *