Anand : છડેચોક કાળા કાચ સાથે બિન્દાસ ફરતાં વાહનચાલકો

📅 Published: October 8, 2026 | 📂 Category: Anand

આણંદ અને વિદ્યાનગરમાં ઠેરઠેર ટ્રાફિક પોઈન્ટ હોવા છતાં આગળ અથવા પાછળની નંબર પ્લેટ વિના તથા કાળા કાચ સાથે ફરતી કેટલીક શંકાસ્પદ કાર સામે અસરકારક કાર્યવાહી થતી ન હોવાની ફરિયાદોએ પોલીસ અને આર.ટી.ઓ. તંત્રની કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે. ખાસ કરીને શાળા કોલેજોના છૂટવાના સમયે વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓની ભીડ વચ્ચેથી આવી કારો મોટા અવાજે હોર્ન વગાડતી પસાર થતી હોવાની ચર્ચાએ જોર પકડયું છે. આવી કારમાં માથાભારે અને રાજકીય ઓથ ધરાવતા તત્વો, ભૂમાફિયાઓ, ખનન માફિયાઓ તેમજ બુટલેગરો અને વહીવટદારોની સાથે કનેક્શન ધરાવતા તત્વોની હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જો પોલીસ અને આર.ટી.ઓ. તંત્ર દ્ધારા કડક હાથે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવતી હોત તો આવા તત્વોને કંટ્રોલ કરી શકાયા હોત. કાળા કાચના કારણે અંદર કોણ છે, તેની ઓળખ મુશ્કેલ બને છે. જ્યારે કોઈ કારમાં આગળની તો કોઈમાં પાછળની નંબર પ્લેટ ન હોવાના કારણે વાહનની ઓળખમાં પણ મુશ્કેલી ઊભી થાય છે. ખાસ કરીને વિદ્યાર્થીનીઓની અવરજવરવાળા વિસ્તારોમાં આવા વાહનો બેફામ રીતે અને વારંવાર હોર્ન વગાડીને ફરતા હોવાની વધતી જતી ફરિયાદો હવે માત્ર ટ્રાફિક નિયમભંગ પૂરતી મર્યાદિત રહી નથી. પરંતુ જાહેર સલામતિ અને શૈક્ષણિક વાતાવરણની શિસ્ત માટે પણ પડકારરૂપ અને ચિંતાજનક બનતી જાય છે. આણંદ અને વિદ્યાનગરમાં જે રીતે આવી શંકાસ્પદ કારનું દૂષણ વધતું જાય છે, તે જોતા પોલીસ અને આર.ટી.ઓ. તંત્ર દ્ધારા આવા શંકાસ્પદ કારચાલકો સામે કાયદાકીય કાયવાહી કરવામાં બેદરકારી દાખવવામાં આવતી હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે. ક્યારેક ટ્રાફિક પોઈન્ટ પર પોલીસની હાજરી હોવા છતાં આવી નંબર પ્લેટ વિના અથવા કાળા કાચવાળી શંકાસ્પદ કાર બેરોકટોક પસાર થઈ જાય છે. તો બીજી બાજુ કોઈ ટુ વ્હીલર પર ત્રણ સવારી કે હેલ્મેટ વિના પસાર થાય તો જાણે ટ્રાફિકના નિયમનો મોટો ભંગ કર્યો હોય તેમ તેની સામે કાર્યવાહી કરાય છે. આમ, તંત્ર દ્ધારા કાયદાના અમલમાં બેવડા ધોરણો રાખી મોટા વાહનચાલકોને છાવરવામાં આવી રહ્યાં છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો 


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *