Anand: નહેરના ધસમસતા પાણી ડાંગરના ખેતરોમાં ફરી વળ્યાં

📅 Published: August 30, 2026 | 📂 Category: gujarati-news

આણંદ તાલુકાના ખડોલ-અડાસ માર્ગ પર અડાસ્યાપુરા પાસે નહેરમાં અચાનક ગાબડું પડતાં નહેરનું પાણી ધસમસતા પ્રવાહ સાથે આસપાસના ડાંગરના ખેતરોમાં ઘૂસી ગયું હતું. ખેતરોમાં પાણી ફરી વળતાં ખેડૂતોમાં ચિંતા સાથે તંત્રની કામગીરી સામે રોષ જોવા મળ્યો હતો.

ચોમાસાની સિઝનમાં ડાંગરનો પાક તૈયાર થઈ રહ્યો છે ત્યારે નહેરમાં ભંગાણ સર્જાતા પાણી સીધું ખેતરોમાં ફરી વળ્યું હતું. નહેરની નિયમિત દેખરેખ અને જાળવણી કરવામાં આવતી હોવાના દાવા વચ્ચે અચાનક ગાબડું પડતાં નહેરની મરામત અને જાળવણીની કામગીરી કેટલી ગંભીરતાથી કરવામાં આવે છે? તેવો સવાલ ખેડૂતોમાં ઉઠયો છે. ઘટનાની જાણ થયા બાદ સંબંધિત તંત્ર હરકતમાં આવ્યું હતું અને જેસીબી મશીનની મદદથી નહેરનું પાણી રોકવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ ગાબડું પૂરવા તેમજ નહેરનો પારો મજબૂત કરવાની કવાયત શરૂ કરવામાં આવી હતી. પંથકના ખેડૂતોમાં સવાલ એ છે કે નહેરમાં ગાબડું પડયા બાદ તંત્રની ટીમ અને જેસીબી દોડાવવામાં આવે છે, પરંતુ અગાઉથી નહેરની ચકાસણી અને જરૂરી મરામત કેમ કરવામાં આવી નહીં? જો સમયસર ભંગાણની જાણ ન થઈ હોત તો મોટી માત્રામાં પાણી ખેતરોમાં ઘૂસી જઈ ખેડૂતોના પાકને મોટું નુકસાન થવાની શક્યતા હતી. સદનસીબે તંત્ર દ્વારા સમયસર પાણી રોકવાની કામગીરી શરૂ કરવામાં આવતા વધુ ખેતરોમાં પાણી ઘૂસતું અટકાવવાનો પ્રયાસ થયો હતો. જોકે, જે ખેતરોમાં પાણી ફરી વળ્યું છે ત્યાં પાકને કેટલું નુકસાન થયું છે તે અંગે હજુ સ્પષ્ટતા થવાની બાકી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *