બોરસદ તાલુકાના નિસરાયા ગામથી આજે રવિવારે વહેલી સવારે 8 વાગ્યે માં મેલડીના ધામ વલાસણ પગપાળા સંઘ નીકળ્યો હતો. 52 ગજની ધજા સાથે ભવ્ય પગપાલા સંઘમાં બોરસદ તાલુકામાંથી ગામેગામના યુવાનો, મહિલાઓ, વડીલો, વયોવૃદ્ધો સહિત મોટીસંખ્યામાં ભાવિકો યાત્રામાં જોડાયા હતા. પદયાત્રા નિસરાયા ગામના તળાવ પાસેના ચોકથી પ્રસ્થાન થઈને બોરસદ શહેરના એસટી બસ સ્ટેન્ડથી દેદરડા-નાપા-મેઘવા-ગાના થઇને 28 કિલોમીટરનું અંતર પગપાળા કાપીને કરમસદ નગરથી વલાસણ ગામ ખાતેના સુપ્રસિધ્ધ મેલડી માતાજીના મંદિરે ડીજેના તાલ સાથે માતાજીની આરાધના અને ઉપાસના કરતા કરતા બપોરે 1.30 કલાકે મંદિરે પહોંચી હતી. હતા. મંદિરના પુજારીએ યાત્રાનું સ્વાગત કર્યુ હતું. યાત્રામાં નિસરાયા ગામના વતની અને વિદેશની ધરતી ઉપર અમેરિકા ખાતે ઉદ્યોગ સ્થાપનાર પ્રથમ ભારતીય અને દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદના હસ્તે ઓલ રાઉન્ડર સ્ટુડન્ટનો એવોર્ડ મેળવનાર ચરોતરના ભમાશા 86 વર્ષિય મેકદાદા પણ યાત્રામાં જોડાઇને યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા. તેઓએ પણ માતાજીની આરતી કરીને 52 ગજની ધજા ચઢાવીને ધન્યતા અનુભવી હતી. યાત્રામાં 10 હજારથી વધુ લોકો જોડાયા હતા. યાત્રામાં સ્વયંભુ મહેરામણ ઉમટતા યાત્રા ઐતિહાસિક બની છે.
યાત્રા દરમિયાન નાપા ગામે ડેપ્યુટી સરપંચ વહીદ કાજીએ મેકદાદાનું ભવ્ય સ્વાગત કર્યુ હતું. યાત્રા બોરસદ શહેરમાં પહોંચતા જ ઠેર ઠેર ટ્રાફિકજામ અને અદ્ભુતપુર્વક માનવ મહેરામણ જોવા મળ્યું હતું. બોરસદ તાલુકાના ઇતિહાસમાં સૌપ્રથમવાર વિજયસિંહ રાજે એક શ્રાદ્દા, એક શક્તિ, એક જયઘોષ સાથે ભવ્ય પગપાળા યોજતા તાલુકા ઉપરાંત રૂટના અનેક ગામોના લોકો પણ પદયાત્રામાં સ્વયંભુ જોડાયા હતા. શરદપૂર્ણિમાના પાવન પર્વે માતાજીના દર્શનનો લાભ લઇને લોકોએ ધન્યતા વ્યક્ત કરી છે. યાત્રાના રૂટમાં ઠેર ઠેર ગામેગામ લોકોએ યાત્રાનું ભવ્ય સ્વાગત કરીને યાત્રાના આયોજક વિજયસિંહ રાજ અને યાત્રામાં જોડાયેલા મેકદાદાનું પુષ્પવર્ષાથી સ્વાગત કર્યુ હતું. યાત્રામાં જોડાયેલા યાત્રીકો માટે પીવાના પાણી, છાશ ની સુવિદ્યા તેમજ ઇમરજન્સી માટે એમ્બ્યુલન્સવાન અને માતાજીનાં મંદિર પર બાવન ગજની ધજા અર્પણ કર્યા બાદ યાત્રીકો માટે વલાસણ ખાતે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. યાત્રામાં શ્રાદ્ધાળુઓમાં માતાજીના દર્શન અને ધ્વજારોહણનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર માર્ગ યાત્રામય બન્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે બોરસદ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ વિજયસિંહ રાજ તેમજ યુવાનોની ટીમ દ્વારા આયોજિત નિસરાયા ગામથી વલાસણની ધાર્મિક પદયાત્રામાં સ્વયંભુ મોટીસંખ્યામાં 10 હજારથી વધુ લોકો યાત્રામાં જોડાતા યાત્રાનું આયોજન સફળ રહ્યુ હોવાની નોંધ માત્ર બોરસદ તાલુકામાં જ નહી પરંતુ સમગ્ર ચરોતર પ્રદેશમાં આણંદ અને ખેડા બન્ને જિલ્લામાં લેવાઇ હોવાનું જાણવા મળ્યુ છે. આ ઉપરાંત આણંદ જિલ્લાના રાજકીય ક્ષેત્રમાં યાત્રાને લઇને અનેક ચર્ચા અને અટકળો વહેતી થઇ હતી.
