આણંદના પ્રતાપપુરા વિસ્તારમાં મહિસાગર નદીમાં ડૂબી જવાથી 35 વર્ષીય સંજયસિંહ ચૌહાણનું મોત થયું છે. સંજયસિંહ પોતાની પત્ની સાથે નદી ખાતે બાધા કરવા ગયા હતા. આ દરમિયાન અચાનક તેમનો પગ લપસ્યો અને તેઓ નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
પત્નીની આંખો સામે પતિ પાણીમાં ગરકાવ
પ્રાપ્ત વિગતો મુજબ, સંજયસિંહ નદીમાં ઉતર્યા હતા ત્યારે તેમનો પગ લપસી ગયો હતો. પાણીની ઊંડાઈ વધુ હોવાથી તેઓ પોતાને સંભાળી શક્યા નહોતા. પત્નીની નજર સામે જ તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાને પગલે પરિવાર અને સ્થાનિકોમાં શોકની લાગણી ફેલાઈ છે.
નદીમાં ઊંડા ખાડાઓને લઈને સવાલ
સ્થાનિકોમાં ચર્ચા છે કે મહિસાગર નદીમાં લાંબા સમયથી થઈ રહેલા રેતીખનનના કારણે અનેક જગ્યાએ ઊંડા ખાડા પડી ગયા છે. પાણીની સપાટી ઉપરથી આ ખાડાઓનો અંદાજ ન આવતાં અકસ્માતનું જોખમ વધી શકે છે.
તંત્રની કોઇ કાર્યવાહી નહી
સ્થાનિકોનો આક્ષેપ છે કે નદીમાં પડેલા આવા ખાડાઓ અંગે વારંવાર સવાલો ઉઠ્યા હોવા છતાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી.
રેતીખનન સામે તંત્રની કામગીરી પર સવાલ
પ્રતાપપુરા સહિત આસપાસના વિસ્તારોમાં કથિત બેફામ રેતીખનનને લઈને હવે સ્થાનિક તંત્ર અને ખાણ-ખનીજ વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. નદીમાંથી રેતી કાઢ્યા બાદ ઊંડા ખાડાઓ ઊભા થયા હોવાના આક્ષેપો વચ્ચે તંત્ર દ્વારા સુરક્ષાના પગલાં કેમ લેવાયા નહીં તે મુદ્દે ચર્ચા શરૂ થઈ છે.
પરિવાર પર તૂટી પડ્યું દુઃખ
સંજયસિંહ ચૌહાણના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. નદીમાં થયેલી આ દુર્ઘટનાએ રેતીખનન, નદીની સલામતી અને આવા સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા અંગે ફરી ગંભીર સવાલો ઊભા કર્યા છે.
આ પણ વાંચો : Rajasthanમાં હાઇવોલ્ટેજ ડ્રામા. બસનો કાચ તૂટ્યો, હાઇકોર્ટ પહોંચ્યો મામલો અને રાતે ખુલ્યું બેલેટ બોક્સનું રહસ્ય
