બોરસદ તાલુકાના જંત્રાલ ગામે આવેલા શ્રી લાડું ઝાંપડી માતાજીના મંદિર પરિસરમાં માતાજીના પ્રાગટય દિવસ નિમિત્તે 21મા શરદ પૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.ધાર્મિક મહોત્સવમાં લોકમેળા સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જંત્રાલ સહિત આસપાસનાં 10 થી વધુ ગામોના શ્રદ્ધાળુઓમાં મહોત્સવને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર મંદિર પરિસર ભક્તિભાવ, ધાર્મિક આસ્થા અને ઉત્સવી માહોલથી છવાઈ ગયું હતું. મહોત્સવના પ્રારંભ પ્રસંગે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકીના હસ્તે લોકમેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. બાદ પરંપરાગત રીતે માંડવડીના દીપ પ્રજ્વલિત કરીને કેબિનેટ મંત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ, જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ પ્રમુખ જીલુભા સિંધા સહિત આમંત્રિત મહેમાનોએ શરદ પૂર્ણિમા ઉત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. માતાજીના પ્રાગટય દિવસની ઉજવણીના ભાગરૂપે રાત્રે 10 વાગ્યે ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. આકાશમાં રંગબેરંગી આતશબાજીના નયનરમ્ય નજારાએ ઉત્સવની રોનકમાં વધારો કર્યો હતો. ત્યારબાદ પ્રસિદ્ધ ગાયક અને સંગીત વૃંદના સથવારે ભવ્ય રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. માતાજીના ભક્તોએ ભક્તિ સંગીતના તાલે ગરબે ઘૂમીને માતાજીની આરાધના કરી હતી. રાત્રે 12 વાગ્યે માતાજીની મહાઆરતી યોજાઈ હતી. માતાજીના જયઘોષ, ભક્તિ સંગીત અને દીપપ્રજ્વલિત આરતીના દિવ્ય માહોલથી મંદિર પરિસર ગુંજી ઊઠયું હતું. ભાવિક ભક્તોએ પરિવાર સાથે માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. લોકમેળો, રાસ-ગરબા, આતશબાજી અને મહાઆરતી સહિતના કાર્યક્રમોએ શરદ પૂર્ણિમાના પાવન પર્વને યાદગાર બનાવ્યો હતો. ધાર્મિક આસ્થા સાથે લોકપરંપરા અને સામૂહિકએકતાનો સંદેશ આપતો આ મહોત્સવ શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
Anand : બોરસદના જંત્રાલમાં શ્રી લાડુ ઝાંપડી માતાજીના પ્રાગટય દિનની ઉજવણી
📅 Published: October 26, 2026 |
📂 Category: Anand
