Anand: મશીનરીના નામે આંતરરાજ્ય ઠગાઈનો પર્દાફાશ;શ્રેયા એન્જિનિયરિંગે આસામના વેપારીને 45 લાખનો ચૂનો ચોપડ્યો

📅 Published: October 4, 2026 | 📂 Category: Anand

વિદ્યાનગર અને આણંદ પંથકમાં એન્જિનિયરિંગ ઉદ્યોગની આડમાં અન્ય રાજ્યોના વેપારીઓ સાથે છેતરપિંડી આચરતી ગેંગનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. આણંદ સ્થિત જાણીતી ‘શ્રેયા એન્જિનિયરિંગ’ કંપનીના સંચાલકો સામે આસામના એક આઈસ્ક્રીમ વેપારી સાથે વ્યવસ્થિત ષડયંત્ર રચીને રૂપિયા ૪૫ લાખની માતબર રકમ પડાવી લઈ મશીનરી ન આપી ઠગાઈ આચરવાનો ગુનો નોંધાયો છે. આ કેસમાં પોલીસે કંપનીના પ્રોડક્ટ મેનેજર અને ભાગીદારને ઝડપી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે, જ્યારે મુખ્ય પ્રોપરાઇટર હજુ પણ ફરાર છે.

19 આઈસ્ક્રીમ મશીન આપવાનો સોદો કર્યો

પોલીસ ફરિયાદમાં સામે આવેલી વિગતો અનુસાર, આસામના આઈસ્ક્રીમ ઉત્પાદક વેપારીએ પોતાના બિઝનેસના વિસ્તરણ માટે આણંદની શ્રેયા એન્જિનિયરિંગ કંપનીનો સંપર્ક કર્યો હતો. કંપનીના સંચાલકોએ આસામના વેપારી સાથે કુલ ૧૯ નંગ આઈસ્ક્રીમ મેકિંગ મશીનો આપવાનો પાકો સોદો નક્કી કર્યો હતો અને ત્રણ મહિનાની અંદર મશીનોનું કન્સાઇનમેન્ટ આસામ પહોંચાડી દેવાની લેખિત-મૌખિક ખાતરી આપી હતી.કંપની પર ભરોસો રાખીને આસામના વેપારીએ નવેમ્બર 2025થી માર્ચ 2026 દરમિયાન શ્રેયા એન્જિનિયરિંગના સત્તાવાર બેંક ખાતામાં તબક્કાવાર કુલ રૂપિયા 45,00,000 (પિસ્તાલીસ લાખ) ની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધી હતી.

ડિલિવરીના નામે ઠાગાઠૈયા અને ફોન સ્વિચ ઓફ કર્યા

નિયત ત્રણ મહિનાની મુદત પૂર્ણ થયા બાદ પણ જ્યારે મશીનો આસામ ન પહોંચ્યા, ત્યારે વેપારીએ કંપનીનો સંપર્ક સાધ્યો હતો. જોકે, સંચાલકો અવારનવાર ટેકનિકલ કારણો આગળ ધરીને સમય પસાર કરતા રહ્યા હતા. અંતે પૈસા પરત માંગતા જ સંચાલકોએ હાથ ઊંચા કરી દીધા હતા અને વેપારીનો સંપર્ક કાપી નાખ્યો હતો. પોતાની સાથે કરોડોની સમકક્ષ છેતરપિંડી થઈ હોવાનું સમજાતાં આસામના વેપારીએ આણંદ પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવી હતી.

બે આરોપીઓ બાકરોલ સબ જેલ હવાલે

આણંદ પોલીસે ગુનો નોંધી ત્વરિત કાર્યવાહી હાથ ધરીને કંપનીના પ્રોડક્ટ મેનેજર વ્રજ પ્રજાપતિ અને ભાગીદાર દક્ષેશ પ્રજાપતિની ધરપકડ કરી હતી. બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી મેળવાયેલા પોલીસ રિમાન્ડ પૂર્ણ થતાં અદાલતના આદેશથી બંનેને બાકરોલ સબ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.દરમિયાન, સમગ્ર છેતરપિંડીના માસ્ટરમાઇન્ડ અને શ્રેયા એન્જિનિયરિંગના મુખ્ય પ્રોપરાઇટર પરેશ પ્રજાપતિ પોલીસ કાર્યવાહીની ગંધ આવી જતાં ભૂગર્ભમાં ઉતરી ગયો છે. પોલીસે ફરાર પરેશ પ્રજાપતિને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તેના સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડવાની કામગીરી તેજ કરી છે. આ કંપનીએ દેશના અન્ય રાજ્યોના વેપારીઓ સાથે પણ આવી કોઈ છેતરપિંડી આચરી છે કે કેમ, તે દિશામાં પણ બેંક વ્યવહારોની તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Surat: પીપોદરા GIDCમાં મધરાતે ફાઇબર કંપની બળીને ખાખ, 8થી વધુ ફાયર ફાઈટરોની આખી રાત ભારે જહેમત!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *