આણંદ શહેરમાં વિદેશ જવાના ઘેલાનો લાભ ઉઠાવી નિર્દોષ નાગરિકો સાથે કરોડો રૂપિયાની ઠગાઈ આચરતી કૌભાંડી ગેંગ સામે આણંદ ટાઉન પોલીસે સકંજો વધુ મજબૂત કર્યો છે. યુરોપ, યુકે (UK) અને દુબઈ જેવા દેશોમાં મોકલવાની મોટી મોટી લાલચ આપીને ૨૮ જેટલા લોકો પાસેથી એક કરોડ રૂપિયાથી વધુની માતબર રકમ પડાવી લેવાના ગંભીર ગુનામાં લાંબા સમયથી નાસતા-ફરતા આરોપી નંદકુમાર ઉકાણીને પોલીસે દબોચી લીધો છે.
આણંદમાં વિદેશ મોકલવાના બહાને કરોડોની ઠગાઈ કેસ
પ્રાપ્ત વિગતો મુજબ, કૌભાંડીઓએ વિદેશમાં વર્ક પરમિટ અને વિઝા અપાવવાની ખાતરી આપીને અનેક બેરોજગાર યુવાનો અને પરિવારજનોને પોતાની જાળમાં ફસાવ્યા હતા. લોકો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા બાદ ન તો વિઝા અપાવ્યા ન તો નાણાં પરત કર્યા, જેથી ભોગ બનનારાઓએ પોલીસના દ્વાર ખખડાવ્યા હતા.વિદેશ મોકલવાના નામે આચરવામાં આવેલા આ મહાકૌભાંડમાં અગાઉ પોલીસે મુખ્યારોપી એવી ‘બંટી-બબલી’ની જોડીને ગિરફ્તાર કરી જેલભેગી કરી હતી. આ કૌભાંડમાં મુખ્ય સૂત્રધારોને મદદગારી કરનાર અને નાણાંની ગેરરીતિમાં સામેલ નંદકુમાર ઉકાણી સતત પોલીસને હાથતાળી આપી રહ્યો હતો.
નાસતો-ફરતો આરોપી નંદકુમાર ઉકાણી ઝડપાયો
આણંદ ટાઉન પોલીસે બાતમીના આધારે સચોટ ઓપરેશન પાર પાડીને ફરાર નંદકુમાર ઉકાણીની ધરપકડ કરી હતી. આરોપીને અદાલતમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે તેના 2 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન ઠગાઈના નાણાં ક્યાં ડાયવર્ટ કરાયા, અન્ય કેટલા લોકો આ કૌભાંડનો શિકાર બન્યા છે અને ગેંગમાં અન્ય કોણ કોણ સામેલ છે તે તમામ દિશાઓમાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
