અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર બોરીયાવી ગામની સીમમાં બુધવારે વહેલી સવારે સવા ત્રણેક વાગ્યાના અરસામાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. સુરતથી રાજસ્થાનના નાથદ્વારા તરફ જઈ રહેલી સાઈદર્શન ટ્રાવેલ્સની લક્ઝરી બસ ટ્રક સાથે અથડાતાં બસનું એક સાઈડનું આખું પડખું ચિરાઈ ગયું હતું. આ ગમખ્વાર અકસ્માતમાં ગંભીર રીતે ઈજા થવાથી ચાર મુસાફરોના સ્થળ ઉપર મોત નિપજ્યાં હતાં જ્યારે એકનું નડિયાદ સિવિલમાં મોત નિપજ્યું હતું. મુસાફરો મધરાતે ગાઢ નિંદ્રામાં હતા ત્યારે અચાનક ધડાકા સાથે લકઝરી બસ ટ્રક સાથે ટકરાતાં મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી અને અફરાતફરીમો માહોલ સર્જાયો હતો. અકસ્માત એટલ ભયાનક હતો કે કેટલાક મુસાફરો ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં રસ્તા પર પટકાયા હતા, અને ઘટનાસ્થળે હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતની જાણ થતાં એક્સપ્રેસ હાઈવેની એમ્બ્યુલન્સ, 108ની બે એમ્બ્યુલન્સ, પોલીસ અને આસપાસના ગ્રામજનો તથા પસાર થતાં વાહનચાલકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બચાવ કામગીરી હાથ ધરી ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એક મુસાફરની સ્થિતિ વધુ ગંભીર હોવાથી તેને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અકસ્માતના પગલે એક્સપ્રેસ હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગતાં ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત લકઝરી બસ અને ટ્રકને રસ્તા પરથી દૂર કરાવી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. આણંદ ગ્રામ્ય પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. સાઈદર્શનની લક્ઝરી બસ સુરતથી રવાના થઈ હતી અને રાજસ્થાનના નાથદ્વારા જઈ રહી હતી. બસના ચાલક તરીકે તાહુસિંહ નવલસિંહ ચૌહાણ (રહે. નાના પોયડા, તા. પ્રાંતિજ, સાબરકાંઠા) અને મેનેજર તરીકે વિરમસિંહ ગૌતમસિંહ રાઠોડ (ઉં.વ. 35, રહે. સુકેલ, રાજસ્થાન) હોવાનું જાણવા મળ્યું છે. નડિયાદ સિવિલ હોસ્પિટલના આરએમઓના જણાવ્યા મુજબ ઘાયલ મુસાફરોને સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જેમાં એકનું મોત થયું હતું. જ્યારે ચારને દાખલ કરી સારવાર આપવામાં આવી રહી હતી. એક મુસાફરની હાલત વધુ ગંભીર હોવાથી તેને અમદાવાદ સિવિલ હોસ્પિલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતમાં મૃત્યુ પામેલા મોટાભાગના મુસાફરો રાજસ્થાનના હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોના પરિવારજનોને જાણ થતાં તેઓ આણંદ અને નડિયાદની હોસ્પિટલોમાં દોડી આવ્યા હતા. સ્વજનોના આક્રંદથી હોસ્પિટલ પરિસરમાં ગમગીની છવાઈ ગઈ હતી.
Anand : લકઝરી બસ-ટ્રક ટકરાતાં પાંચ જિંદગીનો અંત
📅 Published: September 30, 2026 |
📂 Category: Anand
