Anand : KAMC માં વિપક્ષી નેતાને લઇ કમઠાણ

📅 Published: November 26, 2026 | 📂 Category: Anand

કરમસદ-આણંદ મહાનગરપાલિકાની ચૂંટણીને સાત મહિના જેટલો સમય વીતી ગયો છતાં કોંગ્રેસ પોતાના 8 ચૂંટાયેલા કાઉન્સીલરોમાંથી વિપક્ષી નેતા નક્કી કરી શકી નથી. પરિણામે મહાનગરપાલિકામાં કોંગ્રેસની સ્થિતિ સેનાપતિ વિનાની સેના જેવી બની હોવાની પક્ષના કાર્યકરોમાં ચર્ચા છે. ચાર મહિના અગાઉ વિપક્ષી નેતા માટે કાઉન્સિલરોની સેન્સ લેવામાં આવી હોવા છતાં પ્રદેશ નેતાગીરી નિર્ણય ન લેતાં પક્ષના આંતરિક જૂથવાદની ચર્ચા ફરી સપાટી પર આવી છે. હાવે પ્રજાના પાણી, ગટર, રસ્તા, સ્ટ્રીટલાઈટ અને સિટી બસ જેવા પ્રશ્નો અંગે કોંગ્રેસ મજબૂત વિપક્ષ તરીકે ક્યારે ઉભી રહેશે તે સવાલ પણ ઉઠી રહ્યો છે.

મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસની બેઠકો અગાઉના 13ના આંકડાથી ઘટીને માટે 8 થઈ ગઈ છે. ચૂટણી પરિણામ બાદ પક્ષમાં વિપક્ષી નેતા પસંદ કરવા માટે ચૂંટાયેલા કાઉન્સિલરો અને કાર્યકરોની સેન્સ લેવામાં આવી હતી. પક્ષના આંતરિક વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ મહાનગરપાલિકામાં કોંગ્રેસના લઘુમતી સમુદાયના કાઉન્સીલરોનું પ્રમાણ વધુ હોવાથી તેના જ કોઈ કાઉન્સિલરને વિપક્ષી નેતા બનાવવાની માંગને પણ સમર્થન મળ્યું હતું તેમ છતાં સેન્સ લીધાને ચાર મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં નામ જાહેર ન થતાં કાઉન્સિલરોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. કાઉન્સિલરોની માંગણી સિવાયના જો અન્ય કોઈની વિપક્ષે નેતા પદે નિમણૂક કરાશે તો આગામી ચૂંટણીઓમાં પક્ષને નુકસાન સહન કરવાની તૈયારી રાખવી પડશે તેવું પણ કાર્યકરોમાં ચર્ચાય છે.

આ તરફ જીલ્લા કોંગ્રેસમાં મહત્વનો હોદ્દો ધરાવતા એક કાઉન્સીલરને વિપક્ષી નેતા બનાવવાની પ્રદેશ કક્ષાએથી અંદરખાને મથામણ ચાલી રહી હોવાની ચર્ચા છે. જ્યારે મહાનગરપાલિકામાં અગાઉથી ચૂંટાતા આવતા એક કાઉન્સિલરને જવાબદારી સોંપવાની માંગ કોંગ્રેસના જ કાઉન્સિલરો દ્વારા થઈ રહી હોવાનું પક્ષના વર્તુળોમાં કહેવાય છે. બે અલગ દાવેદારી વચ્ચેની આ ખેંચતાણના કારણે છેલ્લા ચાર-પાંચ મહિનાથી વિપક્ષી નેતાનું પદ લટકતું હોવાની ચર્ચા છે. કાઉન્સિલરો અને પક્ષના આગેવાનો દ્વારા પ્રદેશ નેતાગીરી સમક્ષ લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં દોઢ-બે મહિનાથી વધુ સમય વીતી ગયો અને હજુ નિર્ણય ન લેવાતાં પ્રદેશ નેતાગીરીની કામગીરી સામે પણ સવાલો ઉઠયા છે વિપક્ષી નેતા વિના કોંગ્રેસની મહાનગરપાલિકાની કામગીરી માત્ર સંગઠનાત્મક રીતે જ નહીં પરંપુ પ્રજાના પ્રશ્નોના મોરચે પણ નબળી પડી રહી હોવાની ચર્ચા છે. પાણી-ગટરથી લઈને પાકા રસ્તા, સ્ટ્રીટલાઈટ અને સિટી બસ સુધીના પ્રશ્નો મહાનગરપાલિકામાં અસરકારક રીતે ઉઠાવવા માટે વિપક્ષનું સત્તાવાર નેતૃત્વ જ ન હોય તો કોંગ્રેસનો અવાજ કેટલો અસરકારક રહેશે તેવો સવાલ કાર્યકરોમાં ઉઠી રહ્યો છે. ચૂંટણીમાં 13થી 8 બેઠકો સુધી કોંગ્રેસનું સંકોચાયેલું સંખ્યાબળ અને ત્યારબાદ સાત મહિના સુધી વિપક્ષી નેતાની નિમણૂક નહી થાય તેવી સ્થિતિએ પક્ષની આંતરિક ખેંચતાણને વધુ ઉજાગર કરી છે હવે પ્રદેશ કોંગ્રેસ વ્યક્તિગત પસંદગી કે જૂથવાદથી ઉપર ઉઠીને નિર્ણય ક્યારે કરશે અને સેનાપતિ વિનાની સેના બનેલી કોંગ્રેસને મહાનગરપાલિકામાં વિપક્ષી નેતા ક્યારે મળશે તે મુદ્દે પક્ષના કાઉન્સિલરો અને કાર્યકરોમાં સૌથી મોટો પ્રશ્ન બન્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *