Anand News: ખડોલ-અડાસ માર્ગ પર કેનાલમાં મસમોટું ગાબડું, લાખો લીટર પાણી ખેતરોમાં ફરી વળ્યું

📅 Published: August 30, 2026 | 📂 Category: Anand

આણંદ જિલ્લાના ખડોલ-અડાસ માર્ગ પર આવેલી સિંચાઈ કેનાલમાં અચાનક મસમોટું ગાબડું પડવાની ઘટના સામે આવી છે. કેનાલની દીવાલ તૂટી જતાં જ ધસમસતા પ્રવાહ સાથે લાખો લીટર પાણી આસપાસના વિસ્તારોમાં વહેવા લાગ્યું હતું. જોતજોતામાં કેનાલનું પાણી માર્ગો અને નજીકના ખેતરોમાં ઘૂસી જતાં ચારેય તરફ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.

વરસાદની અછત વચ્ચે પાણીનો મોટો વેડફાટ

ચાલુ વર્ષે એક તરફ વરસાદ ખેંચાતાં ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે સિંચાઈના પાણીની કાગ ડોકે રાહ જોઈ રહ્યા છે. ખેડૂતો વારંવાર પાણી છોડવાની માગ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ આવી બેદરકારીના કારણે લાખો લીટર કિંમતી પાણીનો સરેઆમ વેડફાટ થઈ રહ્યો છે. એન સમયે જ પાણીનો આવો બગાડ થતાં સ્થાનીય ખેડૂતોમાં ઘોર નિરાશા અને રોષ વ્યાપી ગયો છે.

હજારો લીટર પાણી ખેતરોમાં ઘૂસતાં પાકને નુકસાનની ભીતિ

કેનાલ તૂટવાના કારણે ધસમસતું પાણી નજીકના ખેતરોમાં ફરી વળ્યું છે. જેને કારણે ખેતરોમાં તૈયાર થઈ રહેલા કે વાવેલા પાકને ભારે નુકસાન પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે. મોંઘા બિયારણ, ખાતર અને મહેનતથી ઉછારેલા પાક પર કેનાલના પાણી ફરી વળતાં ખેડૂતો માટે “મોંમાં આવેલો કોળિયો છીનવાઈ જવા” જેવી સ્થિતિ નિર્માણ પામી છે.

Anand News: Massive Canal Breach on Khadol-Adas Road; Millions of Liters Wasted

સિંચાઈ વિભાગની કાગળ પરની કામગીરી સામે ગંભીર સવાલો

આ ઘટના બાદ સિંચાઈ વિભાગની કામગીરી સામે સ્થાનિકો દ્વારા ગંભીર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, દર વર્ષે કેનાલની સફાઈ અને રિપેરિંગ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ આ કામગીરી માત્ર કાગળ પર જ થાય છે. ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ થાય છે કે કેમ તે અંગે પણ હવે તપાસની માગ ઉઠી રહી છે.

ખેડૂતોની તાત્કાલિક સમારકામ અને વળતરની માગ

હાલમાં સિંચાઈ વિભાગની ઘોર બેદરકારીના કારણે ખેડૂતોને સહન કરવાનો વારો આવ્યો છે. સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતો માંગ કરી રહ્યા છે કે કેનાલનું ગાબડું તાત્કાલિક ધોરણે પૂરવામાં આવે જેથી વધુ પાણીનો વેડફાટ અટકે. આ સાથે જ કેનાલના પાણીથી જે ખેડૂતોના પાકને નુકસાન થયું છે, તેમને વળતર આપવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવે.

આ પણ વાંચો – Anand News: ઉમરેઠના ધુલેટા ગામે ઝાડ પર લટકતી હાલતમાં આધેડનો મૃતદેહ મળતાં મચ્યો ચકચાર


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *