અરવલ્લી જિલ્લાના મોડાસા સ્થિત સાબલપુર CNG પંપ નજીક એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવી રહેલી એક કારના ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારી હતી. બાઇક સવારોને અડફેટે લીધા બાદ કાર ચાલકે સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ થોડે દૂર જઈને કાર સામેથી આવી રહેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ પડી હતી.
બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત, હોસ્પિટલ ખસેડાયા
આ અકસ્માતમાં બાઇક પર સવાર બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટના બનતા જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં બંને ઇજાગ્રસ્તો સારવાર હેઠળ છે.

કારમાંથી વિદેશી દારૂના ક્વાર્ટર મળ્યા, હોમગાર્ડ જવાન હોવાની ચર્ચા
અકસ્માત સર્જીને ભાગવાનો પ્રયાસ કરી રહેલા કાર ચાલકને સ્થાનિક લોકોએ સ્થળ પર જ ઝડપી પાડ્યો હતો. આ દરમિયાન કારની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂના બે ક્વાર્ટર મળી આવતા ચકચાર મચી ગઈ છે. અકસ્માત સર્જનાર કાર ચાલક હોમગાર્ડ તરીકે ફરજ બજાવતો હોવાની લોકચર્ચા પણ ઉઠી છે. સ્થાનિકોએ કાર ચાલકને પોલીસ હવાલે કરવાની કવાયત હાથ ધરી હતી અને પોલીસે સમગ્ર મામલે આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: Aravalli News: શામળાજી પાસે અકસ્માતમાં યુવકનું મોત, દર્શન કરી પરત ફરતા સમયે કાળ આંબી ગયો
