Australia ક્રિકેટ બોર્ડને મળ્યા નવા ચેરમેન, જાણો કોને સોંપાઈ જવાબદારી?

📅 Published: September 28, 2026 | 📂 Category: cricket

ઓસ્ટ્રેલિયન ક્રિકેટના વહીવટમાં મોટો ફેરફાર થયો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ડેવિડ બૂનને વચગાળાના અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપવાની પુષ્ટિ કરી છે. તેઓ માઇક બેયર્ડનું સ્થાન લેશે. બેયર્ડે અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યા બાદ બૂનને આ જવાબદારી સોંપવામાં આવી છે. ડેવિડ બૂન ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર છે. તેમણે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 107 ટેસ્ટ અને 181 વનડે મેચ રમી હતી. ટેસ્ટમાં તેમણે 7,422 રન બનાવ્યા હતા, જ્યારે વનડેમાં તેમના નામે 5,964 રન છે. તેઓ 1987ની વર્લ્ડ કપ વિજેતા ઓસ્ટ્રેલિયન ટીમનો પણ હિસ્સો હતા

ક્રિકેટ વહીવટમાં પણ લાંબો અનુભવ

બૂન પાસે માત્ર આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો જ નહીં, પરંતુ ક્રિકેટ વહીવટનો પણ લાંબો અનુભવ છે. તેઓ 2000થી 2011 સુધી ઓસ્ટ્રેલિયાની પસંદગી સમિતિ સાથે જોડાયેલા રહ્યા હતા. ત્યારબાદ તેમણે ક્રિકેટ તાસ્માનિયામાં મહત્વની જવાબદારીઓ સંભાળી હતી. તેઓ ICC મેચ રેફરી તરીકે પણ કામગીરી કરી ચૂક્યા છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની સત્તાવાર માહિતી અનુસાર તેઓ 2011થી ICC મેચ રેફરી તરીકે જોડાયેલા છે ડેવિડ બૂન ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના બોર્ડમાં પણ ડિરેક્ટર તરીકે જોડાયેલા છે. તેમના લાંબા ક્રિકેટ અને વહીવટી અનુભવને ધ્યાનમાં રાખીને તેમને હવે વચગાળાના અધ્યક્ષ તરીકે જવાબદારી આપવામાં આવી રહી છે.

માઇક બેયર્ડના કાર્યકાળમાં BBL મહત્વનો મુદ્દો

માઇક બેયર્ડના કાર્યકાળ દરમિયાન બિગ બેશ લીગની ટીમોમાં ખાનગી રોકાણ લાવવાનો મુદ્દો ચર્ચામાં રહ્યો હતો. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ 2026માં BBL ક્લબોના ખાનગીકરણ માટેની પ્રક્રિયા આગળ વધારી હતી અને મેલબોર્ન રેનેગેડ્સની માલિકી બદલવાની પ્રક્રિયા પણ ચર્ચામાં રહી છે. ક્રિકેટ ન્યૂ સાઉથ વેલ્સે આ પ્રસ્તાવો સામે વાંધો વ્યક્ત કર્યો હતો.ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જોકે સ્પષ્ટ કર્યું હતું કે ખાનગી રોકાણ આવવા છતાં ટેસ્ટ ક્રિકેટ, આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ અને ખેલાડીઓની ઉપલબ્ધતા અંગેના મુખ્ય નિર્ણયો ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના નિયંત્રણમાં રહેશે

ડેવિડ બૂનની શાનદાર ક્રિકેટ કારકિર્દી

ડેવિડ બૂને 1984માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો અને 1996 સુધી ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 107 ટેસ્ટમાં તેમણે 22 સદી અને 32 અડધી સદી સાથે 7,422 રન બનાવ્યા હતા. 181 વનડેમાં તેમણે 5 સદી અને 37 અડધી સદી સાથે 5,964 રન બનાવ્યા હતા1 987ના વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વખત વર્લ્ડ કપ જીત્યો હતો અને ડેવિડ બૂન તે ટીમના મહત્વના સભ્ય હતા.કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી ફાઇનલમાં તેમણે 75 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી.આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ પણ બૂન ક્રિકેટ સાથે સતત જોડાયેલા રહ્યા છે. હવે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના વચગાળાના અધ્યક્ષ તરીકે તેમની નવી જવાબદારી ઓસ્ટ્રેલિયન ક્રિકેટના વહીવટ માટે મહત્વપૂર્ણ બની રહેશે.

આ પણ વાંચો – Virat Kohli Records : સતકોની સદી મામલે સચિનને પછાડશે વિરાટ કોહલી? સમીકરણોથી સમજો ગણિત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *