ભારતીય કાર બજારમાં ઇલેક્ટ્રિક વાહનો (EV) ની વધી રહેલી માંગને ધ્યાનમાં રાખીને દેશની અગ્રણી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી એક મોટું પગલું ભરવા જઈ રહી છે. કંપની હવે ગ્રાહકો માટે એકદમ નવી 7-સીટર ઇલેક્ટ્રિક MPV લાવવાની તૈયારી કરી રહી છે. અહેવાલો અનુસાર, મારુતિ આ અપકમિંગ ઇલેક્ટ્રિક કારને ફેબ્રુઆરી 2027માં યોજાનારા ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો માં જાહેરમાં પ્રદર્શિત કરી શકે છે. જોકે, કંપની દ્વારા હજુ સુધી આ કારની સત્તાવાર કિંમત કે લોન્ચિંગ તારીખ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ઓટો સેક્ટરમાં તેની ચર્ચાએ જોર પકડ્યું છે.
e-Vitara જેવી આકર્ષક ડિઝાઇન અને બોક્સી લુક
મારુતિની આ નવી ઇલેક્ટ્રિક MPV નું કોડનેમ YMC હોવાનું કહેવાઈ રહ્યું છે, જેનું ટેસ્ટિંગ હાલમાં ચાલી રહ્યું છે. ડિઝાઇનની દ્રષ્ટિએ આ કારમાં બોક્સી લુક આપવામાં આવશે, જેથી MPV હોવા છતાં તે એકદમ રગ્ડ અને SUV જેવી દેખાશે. કારના પાછળના ભાગમાં હોરિઝોન્ટલ LED સ્ટ્રીપ, શાર્ક ફિન એન્ટેના અને 18 ઇંચના એલોય વ્હીલ્સ મળવાની શક્યતા છે. આ કારની ડિઝાઇન ઘણે અંશે મારુતિની પ્રખ્યાત e-Vitara થી પ્રેરિત હશે. ખાસ વાત એ છે કે આ ગાડી ગ્રાહકોની જરૂરિયાત મુજબ 6-સીટર અને 7-સીટર એમ બંને વિકલ્પોમાં રજૂ થઈ શકે છે, જેમાં 6-સીટર મોડેલમાં કેપ્ટન સીટ્સ પણ મળી શકે છે.
પાવર, રેન્જ અને કિંમત અંગે સસ્પેન્સ યથાવત
e-Vitara પછી મારુતિની આ બીજી ઇલેક્ટ્રિક કાર બનવા જઈ રહી છે, પરંતુ તેની બેટરી પેક, ઇલેક્ટ્રિક મોટર, ડ્રાઇવિંગ રેન્જ અને પ્રાઇઝ ટેગ અંગે હજુ સુધી સસ્પેન્સ જળવાઈ રહ્યું છે. કંપની આ તમામ બાબતોનો ખુલાસો આગામી ઓટો શો કે ઓફિશિયલ લોન્ચિંગ દરમિયાન કરશે. હાલ તો મારુતિની આ ઇલેક્ટ્રિક MPV બજારમાં આવ્યા બાદ અન્ય કંપનીઓની પોપ્યુલર SUV અને MPV મોડેલ્સને સખત સ્પર્ધા આપવા માટે સંપૂર્ણપણે સજ્જ થઈ રહી છે, જેના પર ઓટો પ્રેમીઓની ખાસ નજર રહેશે.
આ પણ વાંચો : Elon Muskનો એક મોટો નિર્ણય: ટેસ્લા સાયબરટ્રકનું પ્રોડક્શન 2027 સુધીમાં થઈ શકે છે બંધ!
