Renault એ તેની પોપ્યુલર 7-સીટર MPV Triber નું નવું ટર્બો પેટ્રોલ વેરિએન્ટ લોન્ચ કરી દીધું છે. આ નવા અપડેટ સાથે ગ્રાહકોને હવે આ કારમાં વધુ પાવરફુલ એન્જિનનો વિકલ્પ મળશે. તેમાં 1.0-લિટર, થ્રી-સિલિન્ડર TCe ટર્બો-પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 100hp નો પાવર અને 180Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ પાવરફુલ વેરિએન્ટને 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ જ એન્જિનનો ઉપયોગ Renault ની Duster અને Kiger માં પણ કરવામાં આવ્યો છે.
ટર્બો વેરિએન્ટની કિંમતો
રેનો ટ્રાઈબર TCe 100 ના Evolution વેરિએન્ટની કિંમત 7.84 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે અને તેના ટોપ Emotion વેરિએન્ટની કિંમત 8.99 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) સુધી રાખવામાં આવી છે.
સ્ટાન્ડર્ડ મોડલ કરતાં 2 લાખ રૂપિયા મોંઘી
બીજી તરફ, જો આપણે 1.0 લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિનવાળા સ્ટાન્ડર્ડ ટ્રાઈબર મોડલની વાત કરીએ તો તેની કિંમત 5.80 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે. આનો અર્થ એ થયો કે નવું ટર્બો-પેટ્રોલ વર્ઝન સ્ટાન્ડર્ડ મોડલ કરતા 2 લાખ રૂપિયાથી વધુ મોંઘુ છે.
વધારે ટોર્ક અને અપડેટેડ એન્જિન સિસ્ટમ
આ નવું ટર્બો પેટ્રોલ એન્જિન 100hp પાવર અને 180Nm ટોર્ક જનરેટ કરે છે, જે સ્ટાન્ડર્ડ ટ્રાઈબરના 72hp પાવર અને 96Nm ટોર્કની સરખામણીમાં ઘણું વધારે છે. જોકે આ એન્જિન રેનો કાઈગર અને ડસ્ટરમાં વપરાતા ટર્બો-પેટ્રોલ યુનિટ જેવું જ છે, પરંતુ તેને 180Nm નો મહત્તમ ટોર્ક આપવા માટે ખાસ ટ્યુન કરવામાં આવ્યું છે અને તેમાં અપડેટેડ એન્જિન મેનેજમેન્ટ સિસ્ટમ પણ આપવામા આવી છે.
0 થી 100 kmph ની ઝડપ 10.8 સેકન્ડમાં
ટર્બોચાર્જ્ડ ટ્રાઈબર માત્ર સ્ટાન્ડર્ડ નેચરલી એસ્પિરેટેડ વર્ઝન કરતા ઝડપી જ નથી, પરંતુ પર્ફોર્મન્સમાં પણ આગળ છે. કંપનીનો દાવો છે કે TCe 100 વેરિએન્ટ માત્ર 10.8 સેકન્ડમાં 0 થી 100 kmph ની સ્પીડ પકડી લે છે.
21 kmpl ની ધમાકેદાર માઇલેજ
માઇલેજની વાત કરીએ તો, આ નવું ટર્બો વેરિએન્ટ 1 લિટર પેટ્રોલમાં 21 કિલોમીટર (21 kmpl) ની શાનદાર માઇલેજ આપે છે. જ્યારે સ્ટાન્ડર્ડ 1.0 લિટર પેટ્રોલ-મેન્યુઅલ ટ્રાઈબર એક લિટર પેટ્રોલમાં 19.76 kmpl ની માઇલેજ આપે છે.
ડિઝાઇન, પ્લેટફોર્મ અને વ્હીલબેસ
ટ્રાઈબર ટર્બોની એક્સટિરિયર ડિઝાઇનમાં મોટાભાગે કોઈ ખાસ ફેરફાર કરવામાં આવ્યો નથી. કારના પાછળના ભાગમાં આપવામાં આવેલો ‘Turbo’ બેજ તેને સ્ટાન્ડર્ડ મોડલથી અલગ પાડે છે. આ કાર રેનોના લેટેસ્ટ RGEP આર્કિટેક્ચર પર આધારિત છે અને ડાયમેન્શનની દ્રષ્ટિએ તે સ્ટાન્ડર્ડ મોડલ જેટલી જ સાઇઝ ધરાવે છે, જેમાં 2636mm નો લાંબો વ્હીલબેસ પણ સામેલ છે.
