Banaskantha : મરચા બાદ હવે ઘીમાં ભેળસેળની શંકા, ડીસામાં 434 કિલો શંકાસ્પદ ઘી સીઝ

📅 Published: August 25, 2026 | 📂 Category: gujarati-news

બનાસકાંઠાના ડીસામાં શંકાસ્પદ ખાદ્યપદાર્થો સામે ફૂડ વિભાગની કાર્યવાહીનો દોર યથાવત છે. શંકાસ્પદ મરચા બાદ હવે ફૂડ વિભાગે શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ડીસામાં આવેલી માવજત ફૂડ પ્રોડક્ટ નામની પેઢીમાંથી 434 કિલો લુઝ ઘી સીઝ કરીને તેના નમૂનાઓ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.

ઘીની કિંમત અંદાજે રૂ.2.49 લાખ 

ફૂડ વિભાગની કાર્યવાહીમાં ઝડપાયેલા ઘીની કિંમત અંદાજે રૂ.2.49 લાખ હોવાનું સામે આવ્યું છે. ઘીની ગુણવત્તા અને તેમાં ભેળસેળની શક્યતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક સમગ્ર જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. હવે લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ ઘી ગુણવત્તાના ધોરણો મુજબ છે કે તેમાં કોઈ પ્રકારની ભેળસેળ છે તે સ્પષ્ટ થશે.

ભેળસેળીયા વેપારીઓમાં ફફડાટ 

ડીસામાં અગાઉ શંકાસ્પદ મરચાને લઈને કાર્યવાહી કરવામાં આવી હતી. હવે ફરી એકવાર ફૂડ વિભાગે શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડતાં ભેળસેળીયા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. ખાદ્યપદાર્થોમાં ગુણવત્તા જાળવવા અને ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે ફૂડ વિભાગ દ્વારા તપાસનો દોર વધુ સઘન બનાવવામાં આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે.

સેમ્પલ પરીક્ષણ માટે મોકલ્યા

434 કિલો લુઝ ઘી સીઝ કર્યા બાદ ફૂડ વિભાગે તેના સેમ્પલ પરીક્ષણ માટે મોકલ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ સંબંધિત પેઢી સામે નિયમ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જો ઘીના નમૂનાઓ ગુણવત્તાના ધોરણોમાં નાપાસ થશે અથવા ભેળસેળ સામે આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી શકે છે.

ગ્રાહકોના આરોગ્યને લઈને પણ ચિંતા

ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળની શંકા સામે આવી રહી હોવાથી ગ્રાહકોના આરોગ્યને લઈને પણ ચિંતા ઊભી થઈ છે. એક પછી એક શંકાસ્પદ ખાદ્યપદાર્થો સામે કાર્યવાહી થતાં હવે ફૂડ વિભાગની નજર અન્ય વેપારીઓ અને ખાદ્ય પેઢીઓ પર પણ હોવાનું માનવામાં આવી રહ્યું છે. 

 આ પણ વાંચો  :    Monsoon 2026 : અલ નીનોનો પ્રભાવ વધ્યો, ગુજરાતમાં ચોમાસું નબળું પડવાની આશંકા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *