Banaskantha : શિક્ષકે જ શિક્ષકને હની ટ્રેપમાં ફસાવ્યો, દુષ્કર્મ કેસની ધમકી આપી 5 લાખની ખંડણી માંગી, કથિત પત્રકારની પણ સંડોવણી

📅 Published: September 4, 2026 | 📂 Category: Crime

બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણ જગતને લાંછન લગાવતો હની ટ્રેપનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દાંતા પંથકની સરકારી શાળાના એક શિક્ષકને દુષ્કર્મના કેસમાં ફસાવવાની ધમકી આપી લાખોની ખંડણી માંગવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ સમગ્ર કથિત હની ટ્રેપ રેકેટનો મુખ્ય સૂત્રધાર પીડિત શિક્ષક સાથે અગાઉ ફરજ બજાવી ચૂકેલો એક શિક્ષક હોવાનું સામે આવતા ચકચાર મચી છે.

મહિલાએ મિત્રતા કેળવી જંગલમાં લઈ જઈ ફસાવ્યાનો આરોપ

ફરિયાદ મુજબ દાંતા પંથકની સરકારી શાળાના શિક્ષક સાથે એક મહિલાએ મિત્રતા કેળવી હતી. બાદમાં તેને બાળારામના જંગલ વિસ્તારમાં ફરવા લઈ જઈ પૂર્વનિયોજિત રીતે જાળમાં ફસાવવામાં આવ્યો હોવાનો આરોપ છે. ત્યારબાદ પીડિત શિક્ષકને ગંભીર કેસમાં ફસાવવાની ધમકી આપી ખંડણી માંગવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

1.15 લાખ રૂપિયા ખંખેર્યાનો આરોપ

પીડિત શિક્ષક પાસેથી 5 શખ્સો અને 1 મહિલા સહિતના લોકો દ્વારા કુલ રૂ. 1.15 લાખ ખંખેરી લેવામાં આવ્યા હોવાનો આરોપ છે. એટલું જ નહીં, બાદમાં વધુ રૂપિયા પડાવવા માટે દબાણ કરવામાં આવતું હોવાનું પણ સામે આવ્યું છે.

‘પત્રકાર’ના નામે ન્યૂઝ લિંક બનાવી 5 લાખની ખંડણી?

આ કેસમાં વધુ ચોંકાવનારો આરોપ એ છે કે એક શખ્સે પોતાને પત્રકાર તરીકે ઓળખ આપી કથિત ન્યૂઝ લિંક બનાવી પીડિત શિક્ષક પાસેથી રૂ. 5 લાખની ખંડણી માગી હતી. સતત દબાણ અને ધમકીઓ બાદ પીડિત શિક્ષકે આખરે પોલીસનો સંપર્ક કર્યો હતો.

ફરિયાદ બાદ LCBનું ઓપરેશન

પીડિત શિક્ષકે પોતાની સાથે બનેલી ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ LCBએ તપાસ હાથ ધરી હતી. હ્યુમન ઈન્ટેલિજન્સ અને અન્ય તપાસના આધારે હની ટ્રેપમાં સંડોવાયેલા હોવાનું સામે આવેલા 3 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે મહેબુબખાન ઇસબખાન બલોચ, સલીમ ખાન આઝમખાન બલોચ અને નરસિંહ પોપટભાઈ રાવળની અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે.

પીડિત સાથે ફરજ બજાવતો શિક્ષક મુખ્ય સૂત્રધાર?

પોલીસ તપાસમાં મહેબુબખાન બલોચ આ સમગ્ર કથિત હની ટ્રેપ રેકેટનો મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે. મહત્વની વાત એ છે કે મહેબુબખાન બલોચ અગાઉ પીડિત શિક્ષક સાથે ફરજ બજાવી ચૂક્યો હોવાનું જણાવાયું છે. આ ઘટનાએ એક ગંભીર સવાલ ઉભો કર્યો છે કે, વિશ્વાસ સાથે કામ કરનાર વ્યક્તિ જ જો સાથી કર્મચારીને જાળમાં ફસાવવાના કથિત કાવતરામાં સામેલ હોય તો શિક્ષણ જગતની છબીને કેટલું નુકસાન થાય?

3 આરોપી પોલીસ પકડથી દૂર

પોલીસના જણાવ્યા મુજબ પત્રકાર તરીકે ઓળખ આપનાર મુજાહિદ ખાન ઉર્ફે સફાજ મુસ્તુફાખાન તવર, શ્રવણ રાવળ અને આશા શર્મા હાલ પોલીસ પકડથી દૂર છે. પોલીસ દ્વારા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

મુખ્ય સૂત્રધાર સહિત 3 જેલ હવાલે

પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત 3 આરોપીઓને કાયદેસરની કાર્યવાહી બાદ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હોવાનું સામે આવ્યું છે. જ્યારે ફરાર આરોપીઓની શોધખોળ સાથે સમગ્ર હની ટ્રેપ રેકેટમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.  

આ પણ વાંચો   :     Janmashtami 2026 Live : કૃષ્ણ ભક્તિમાં રંગાયું ગુજરાત, મંદિરોમાં દર્શન માટે ભક્તોની ભીડ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *