યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલા પવિત્ર નવરાત્રિ મહોત્સવ દરમિયાન મા અંબાના ભક્તોની અપરંપાર આસ્થા જોવા મળી રહી છે. નવરાત્રિના સાતમા નોરતે અંબાજી મંદિરમાં એક શ્રદ્ધાળુએ મા અંબાના ચરણોમાં 100 ગ્રામ સોનાનું ગુપ્ત દાન અર્પણ કર્યું છે. પવિત્ર નોરતાના દિવસોમાં મળેલી આ ભેટથી મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ વધુ ઘાટો બન્યો છે.
સુવર્ણ શિખર માટે અર્પણ કરાયું સોનું
મળતી માહિતી મુજબ, દાનમાં મળેલા આ 100 ગ્રામ સોનાની અંદાજિત કિંમત 14.92 લાખ થવા જાય છે. આ માઇભક્તે પોતાની ઓળખ બિલકુલ ગુપ્ત રાખીને આ કિંમતી સોનું મા અંબાના સુવર્ણ શિખરના નિર્માણકાર્ય હેતુ અર્પણ કર્યું છે. ભક્તની આ નિષ્કામ ભક્તિ અને મા અંબા પ્રત્યેની અતૂટ શ્રદ્ધાની ચોમેર પ્રશંસા થઈ રહી છે.

મંદિર પ્રશાસન દ્વારા સ્વીકારાયું દાન
માઈભક્ત દ્વારા આપવામાં આવેલું આ ગુપ્ત દાન અંબાજી મંદિરના ટેમ્પલ ઈન્સ્પેક્ટર સંજય પ્રજાપતિ દ્વારા વિધિવત રીતે સ્વીકારવામાં આવ્યું હતું. મંદિર ટ્રસ્ટ દ્વારા સોનું સ્વીકારીને નિયમાનુસાર પહોંચ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, અંબાજી મંદિરના સુવર્ણ શિખર માટે દેશ-વિદેશમાંથી ભક્તો પોતાની શ્રદ્ધા મુજબ સોનાનું દાન આપતા રહે છે.

આ પણ વાંચો: Banaskanthaના અમીરગઢ પંથકમાં અચાનક વાતાવરણ પલટાયું, જગતના તાતની ચિંતા વધી!
