વર્ષનો અંતિમ મહિનો એટલે કે ડિસેમ્બરની શરૂઆત બસ હવે થોડાક દિવસ જ બાકી છે. ત્યારે દર મહિને આરબીઆઇ દ્વારા દેશની અલગ અલગ જગ્યાઓ પર બેંકોની રજાઓનું લિસ્ટ જાહેર કરવામાં આવતું હોય છે. ડિસેમ્બર 2026 માટે પણ રજાઓનું કેલેન્ડર જાહેર કર્યુ છે. જો તમારે પણ ચેક ક્લિયરન્સ, KYC, ડ્રાફ્ટ પ્રોસેસિંગ કે અન્ય કોઈ મહત્વપૂર્ણ કામ માટે બેંક શાખામાં જવાનું હોય, તો રજાઓની યાદી જોઈને અગાઉથી આયોજન કરવું જરૂરી છે.
દેશવ્યાપી અને સાપ્તાહિક રજાઓ
ડિસેમ્બર 2026 માં 6, 13, 20 અને 27 તારીખે રવિવાર હોવાથી બેંકો બંધ રહેશે. આ ઉપરાંત 12 ડિસેમ્બરે બીજો શનિવાર અને 26 ડિસેમ્બરે ચોથા શનિવારની રજા રહેશે, જ્યારે 25 ડિસેમ્બરે નાતાલ (ક્રિસમસ) નિમિત્તે દેશભરમાં બેંકો બંધ રહેશે.
સિક્કિમ અને મેઘાલયમાં સૌથી વધુ રજાઓ
સ્થાનિક તહેવારો અને ખાસ પ્રસંગોને કારણે સિક્કિમ અને મેઘાલયમાં આશરે 10 દિવસ સુધી બેંક શાખાઓ બંધ રહેશે. સિક્કિમમાં લુસૂંગ/નમસુંગ તહેવારને લઈને 9, 10 અને 11 ડિસેમ્બરે રજા રહેશે. મેઘાલયમાં 18 ડિસેમ્બરે યુ સોસો થામની પુણ્યતિથિ, 24 ડિસેમ્બરે નાતાલની પૂર્વસંધ્યા, 25 ડિસેમ્બરે નાતાલ અને 30 ડિસેમ્બરે યુ ક્યાંગ નાંગબાહની પુણ્યતિથિએ બેંકો બંધ રહેશે.
અન્ય રાજ્યોની મુખ્ય રજાઓ અને ઓનલાઈન સેવાઓ
અન્ય રાજ્યોની વાત કરીએ તો 1 ડિસેમ્બરે અરુણાચલ પ્રદેશ રાજ્ય સ્થાપના દિવસ, 3 ડિસેમ્બરે ગોવામાં સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર્સ ડે અને 19 ડિસેમ્બરે ગોવા મુક્તિ દિવસ નિમિત્તે બેંકો બંધ રહેશે. 24 ડિસેમ્બરે મિઝોરમ, નાગાલેન્ડ અને મેઘાલયમાં નાતાલની પૂર્વસંધ્યા તથા 31 ડિસેમ્બરે મિઝોરમમાં નવા વર્ષની પૂર્વસંધ્યાએ રજા રહેશે.
શાખા ભલે બંધ રહે ડિજિટલ સુવિધા રહેશે ચાલુ
શાખાઓ બંધ હોવા છતાં ગ્રાહકો માટે ડિજિટલ સુવિધાઓ ચાલુ રહેશે. રજાઓ દરમિયાન UPI, મોબાઈલ બેંકિંગ, ઈન્ટરનેટ બેંકિંગ, ATM તેમજ NEFT અને RTGS જેવી ઓનલાઈન સેવાઓ રાબેતા મુજબ કાર્યરત રહેશે. ડિસેમ્બર 2026માં સાપ્તાહિક રજાઓ, ક્રિસમસ અને સ્થાનિક તહેવારોને કારણે બેંકો બંધ રહેશે. RBIનું રજાઓનું કેલેન્ડર જાણો અને બેંકિંગ કામનું અગાઉથી આયોજન કરો.
આ પણ વાંચોઃ વાળ થશે ઝડપથી લાંબા, આ રીતે ઘરે જ બનાવો આર્યુવેદિક તેલ
