સપ્ટેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં દેશભરના બેંક ગ્રાહકોને બેંકિંગ સેવાઓમાં મોટા પાયે અસર જોવા મળી શકે છે. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) દ્વારા 28 થી 30 સપ્ટેમ્બર, 2026 દરમિયાન ત્રણ દિવસની દેશવ્યાપી હડતાળનું આહ્વાન કરવામાં આવ્યું છે. આ સંગઠન બેંકિંગ ક્ષેત્રના લગભગ 90 ટકા અધિકારીઓ અને કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરતું હોવાનો દાવો કરે છે.
26 થી 30 સપ્ટેમ્બર: સતત 5 દિવસ બેંકિંગ કામકાજ પર અસર
હડતાળના પ્રસ્તાવિત દિવસો (28 થી 30 સપ્ટેમ્બર) પહેલા ૨૬ સપ્ટેમ્બરે ચોથો શનિવાર અને ૨૭ સપ્ટેમ્બરે રવિવારની નિયમિત રજાઓ છે. પરિણામે, 26 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી સતત પાંચ દિવસ સુધી બેંક શાખાઓનું ભૌતિક કામકાજ પ્રભાવિત રહેવાની શક્યતા છે. SBI સહિતની મુખ્ય બેંકો અને ઉત્તર પ્રદેશ ગ્રામીણ બેંક (UPGB) જેવી પ્રાદેશિક બેંકોએ ગ્રાહકોને પોતાના જરૂરી કામકાજ ૨૫ સપ્ટેમ્બર સુધીમાં જ પૂર્ણ કરી લેવાની સલાહ આપી છે.
શાખામાં કયા કામો અગાઉથી પૂરા કરવા જરૂરી?
જે કામકાજ માટે બેંક કર્મચારીની ભૌતિક હાજરી કે દસ્તાવેજોની જરૂર પડે છે, તે તમામ કામો હડતાળ દરમિયાન અટકી શકે છે. તેથી નીચે મુજબના કામો ૨૫ સપ્ટેમ્બર પહેલાં પતાવી લેવા હિતાવહ છે:
- રોકડ રકમ જમા કરાવી કે ઉપાડવી
- ચેક ક્લિયરિંગ અને પ્રોસેસિંગ
- KYC અપડેટ કરવું અને દસ્તાવેજો સબમિટ કરવા
- ડિમાન્ડ ડ્રાફ્ટ (DD) જારી કરાવવો
શું UPI, YONO અને નેટ બેંકિંગ સેવાઓ ચાલુ રહેશે?
હા, આ હડતાળ મુખ્યત્વે બેંકની શાખાઓના ભૌતિક કામકાજ પર અસર કરશે. SBI અને અન્ય બેંકોના જણાવ્યા મુજબ, UPI, Net Banking, YONO App, Mobile Banking અને ATM/ADWM જેવી ડિજિટલ સેવાઓ સામાન્ય રીતે ચાલુ રહેશે. ગ્રાહકો મની ટ્રાન્સફર અને બિલ પેમેન્ટ માટે આ ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરી શકશે.
EMI, ક્રેડિટ કાર્ડ બિલ અને ઓટો-ડેબિટ પર શું અસર પડશે?
હડતાળના કારણે EMI કે ક્રેડિટ કાર્ડ બિલની ચુકવણી અટકશે નહીં. ગ્રાહકો ડિજિટલ રીતે પેમેન્ટ કરી શકે છે. જોકે, દંડ કે પેનલ્ટીથી બચવા માટે ગ્રાહકોએ બે બાબતોનું ખાસ ધ્યાન રાખવું:
- પોતાના ખાતામાં EMI અને SIP ના ઓટો-ડેબિટ માટે પૂરતું બેલેન્સ રાખવું.
- જો ચુકવણીની અંતિમ તારીખ 28 થી 30 સપ્ટેમ્બર વચ્ચે હોય, તો છેલ્લી ઘડીની રાહ જોયા વગર અગાઉથી ચુકવણી કરી દેવી.
ગ્રાહકો માટે મહત્વની ચેકલિસ્ટ
- 25 સપ્ટેમ્બર પહેલાં: બેંક શાખાના તમામ મહત્વના કામ પૂર્ણ કરી લો.
- રોકડ વ્યવસ્થા: જરૂર મુજબની રોકડ અગાઉથી ઉપાડી લો અથવા ATM નો ઉપયોગ કરો.
- ડિજિટલ ટ્રાન્ઝેક્શન: ઈમરજન્સી પેમેન્ટ માટે UPI અને નેટ બેંકિંગનો ઉપયોગ કરો.
બેંક કર્મચારીઓ હડતાળ પર કેમ જઈ રહ્યા છે?
UFBU ની મુખ્ય માંગણીઓમાં બેંકિંગ સિસ્ટમમાં અઠવાડિયામાં 5 દિવસનું કામકાજ (5-Day Banking) લાગુ કરવું, પેન્શનમાં સુધારો કરવો, તમામ પેન્શનરો માટે એકસમાન મોંઘવારી ભથ્થું (DA) આપવું અને NPS હેઠળ આવતા કર્મચારીઓને જૂની પેન્શન યોજના (OPS) માં સ્વિચ કરવાનો વિકલ્પ આપવાનો સમાવેશ થાય છે.
