Bengaluruના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવારે એક મોટી વિમાન દુર્ઘટના ટળી હતી. ગુવાહાટીથી બેંગલુરુ આવી રહેલું ઈન્ડિગો એરલાઈન્સનું Airbus A321 વિમાન લેન્ડિંગની કોશિશ દરમિયાન ‘ટેલ સ્ટ્રાઈક’નો શિકાર બન્યું હતું. એટલે કે વિમાનનો પાછળનો ભાગ રનવે સાથે અથડાયો હતો. જોકે, પાયલટે તરત નિર્ણય લઈને લેન્ડિંગ અટકાવી દીધું અને બીજા પ્રયાસમાં વિમાનને સુરક્ષિત રીતે રનવે પર ઉતાર્યું.
પાયલટે લેન્ડિંગ રદ કરી ‘ગો-અરાઉન્ડ’ કર્યું
મળતી માહિતી પ્રમાણે, ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6E 6542 જ્યારે બેંગલુરુના રનવેની ખૂબ નજીક હતી, ત્યારે પ્રતિકૂળ પવનના કારણે પાયલટે લેન્ડિંગ રદ કરવાનો નિર્ણય લીધો. વિમાનન ક્ષેત્રમાં તેને ‘ગો-અરાઉન્ડ’ કહેવામાં આવે છે. આ દરમિયાન વિમાનનો પાછળનો ભાગ રનવેને અડી ગયો હતો. જોકે, પાયલટોએ વિમાનનું સંતુલન જાળવી રાખ્યું અને તેને ફરીથી હવામાં લઈ જઈ ચક્કર લગાવ્યું. ત્યારબાદ બીજા પ્રયાસમાં વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું.
તમામ મુસાફરો અને ક્રૂ સુરક્ષિત
ઈન્ડિગોના પ્રવક્તાએ જણાવ્યું કે, તેજ પવનના કારણે લેન્ડિંગ દરમિયાન રનવે સાથે ‘અસામાન્ય સંપર્ક’ થયો હતો. વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ સભ્યો સંપૂર્ણપણે સુરક્ષિત છે. તેમને સામાન્ય રીતે વિમાનમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા. ઘટનાની જાણ તરત જ ઉડ્ડયન ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ સંબંધિત નિયમનકારી અધિકારીઓને કરવામાં આવી હતી.
DGCAએ તપાસના આદેશ આપ્યા
નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ ઘટનાની નોંધ લઈને તપાસ શરૂ કરી છે. ઘટના બાદ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) હેઠળ વિમાનને રોકીને ટેક્નિકલ તપાસ માટે મોકલવામાં આવ્યું છે. એરલાઈન્સના એન્જિનિયર્સ વિમાનના મેન્ટેનન્સ અને ટેક્નિકલ બાબતોની વિગતવાર તપાસ કરી રહ્યા છે. જરૂરી ટેક્નિકલ મંજૂરી મળ્યા બાદ જ વિમાનને ફરીથી સેવા માટે ઉપયોગમાં લેવામાં આવશે. DGCAએ તાજેતરના દિવસોમાં સામે આવેલી ટેલ સ્ટ્રાઈકની ઘટનાઓને લઈને ઈન્ડિગો સાથે વાત કરી છે.
આ પણ વાંચો: ટેકઓફ વખતે વિમાનનું ટાયર ફાટ્યું, કેબિનની છત તૂટી, મુસાફરોની ચીસાચીસનો ભયાનક VIDEO
