Bengaluru : સુપ્રીમ કોર્ટનો ‘ફેક ઓર્ડર’ બતાવી જેલમાંથી નીકળી ગયો આજીવન સજાનો કેદી, 12 લાખનો ખેલ

📅 Published: September 11, 2026 | 📂 Category: Crime

બેંગલુરુમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં આજીવન કેદની સજા ભોગવી રહેલો કેદી કથિત રીતે સુપ્રીમ કોર્ટના નકલી આદેશના આધારે જેલમાંથી બહાર નીકળી ગયો હતો. આશ્ચર્યની વાત એ છે કે તેની રિલીઝ બાદ લગભગ 8 વર્ષ સુધી આ કથિત ગોટાળો સામે આવ્યો નહોતો. હવે પોલીસે કેદી શંકર એ. અરાધ્યા અને જેલ કર્મચારી શ્રીકાંત એસ.ની ધરપકડ કરી છે.

2001ના અપહરણ કેસમાં મળી હતી આજીવન કેદ

પોલીસના જણાવ્યા મુજબ શંકર એ. અરાધ્યા 2001માં ચિકપેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખંડણી માટેના અપહરણ કેસમાં સજા ભોગવી રહ્યો હતો. ફાસ્ટ ટ્રેક કોર્ટ-Iએ 12 જુલાઈ 2004ના રોજ તેને આજીવન કેદ અને રૂ.10,000ના દંડની સજા ફટકારી હતી. તેણે હાઈકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી, પરંતુ તેની સજા યથાવત રહી હતી.

પત્નીની મુલાકાત બાદ શરૂ થયો કથિત ‘રિલીઝ પ્લાન’

અરાધ્યાને અગાઉ અનેક વખત પેરોલ મળ્યો હતો. આ દરમિયાન તેની પત્નીની મુલાકાત જેલ કર્મચારી શ્રીકાંત સાથે થઈ હતી. તે સમયે શ્રીકાંત બેંગલુરુ સેન્ટ્રલ જેલના કન્વિક્ટ સેક્શનમાં સેકન્ડ ડિવિઝન આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતો હતો. આ વિભાગમાં કેદીઓની સજા, પ્રવેશ, રિલીઝ અને પેરોલ સંબંધિત દસ્તાવેજોનો રેકોર્ડ રાખવામાં આવે છે.

રૂ.12 લાખની માંગ, રૂ.6 લાખ આપ્યાનો આરોપ

પોલીસનો આરોપ છે કે અરાધ્યાની પત્નીએ પતિને જેલમાંથી બહાર કાઢવા શ્રીકાંતનો સંપર્ક કર્યો હતો. શ્રીકાંતે કથિત રીતે રૂ.12 લાખની માંગ કરી હતી અને રિલીઝ કરાવવાની ખાતરી આપી હતી. પરિવાર દ્વારા રૂ.6 લાખ એકત્ર કરી તેને આપ્યાનો પોલીસનો દાવો છે.

ફેક સુપ્રીમ કોર્ટ ઓર્ડરથી જેલ તંત્ર પણ થયું ગેરમાર્ગે?

તપાસમાં પોલીસને શંકા છે કે શ્રીકાંતે અરાધ્યાના કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશની નકલી નકલ તૈયાર કરી હતી. કથિત આદેશમાં સુપ્રીમ કોર્ટે અરાધ્યાને જેલમાંથી મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો હોવાનું દર્શાવવામાં આવ્યું હતું.

13 નવેમ્બર 2018એ જેલમાંથી થઈ ગયો ‘રિલીઝ’

પોલીસ ફરિયાદ મુજબ નવેમ્બર 2018માં જેલ અધિકારીઓને કેટલાક દસ્તાવેજો મળ્યા હતા, જેમાં 2 નવેમ્બર 2018ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા રિલીઝનો આદેશ આપવામાં આવ્યો હોવાનું દર્શાવાયું હતું. આ દસ્તાવેજોના આધારે 13 નવેમ્બર 2018ના રોજ અરાધ્યાને બેંગલુરુ સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરી દેવામાં આવ્યો હતો.

8 વર્ષ પછી ફેક ઓર્ડરનો પર્દાફાશ

આ સમગ્ર મામલો આ વર્ષે મે મહિનામાં સામે આવ્યો, જ્યારે બેંગલુરુ સેન્ટ્રલ જેલના ઇન્ચાર્જ સુપરિન્ટેન્ડન્ટે ફરિયાદ નોંધાવી. તપાસ દરમિયાન અરાધ્યાની રિલીઝ માટે રજૂ કરાયેલ સુપ્રીમ કોર્ટનો આદેશ કથિત રીતે નકલી હોવાનું સામે આવ્યું. ત્યારબાદ પરપ્પના અગ્રહારા પોલીસે જાલસાજી, છેતરપિંડી સહિતની કલમો હેઠળ કેસ નોંધ્યો. તપાસ આગળ વધતાં જેલ કર્મચારી શ્રીકાંતની કથિત ભૂમિકા પણ સામે આવી અને બંનેની ધરપકડ કરવામાં આવી. 

આ પણ વાંચો :    Sandesh Digital Explainer : મકાન માલિક હવે 3 મહિનાનું ભાડુ એડવાન્સ લઇ શકશે, જાણો, તમારા મનમાં છે તે બધા સવાલોના જવાબ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *