Bharuch: વાગરા GIDCમાં સિનઝીલ ફાર્માકેમ કંપનીમાં ભીષણ બ્લાસ્ટ; 5 કામદારોના દર્દનાક મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો

📅 Published: October 17, 2026 | 📂 Category: gujarati-news

ભરૂચ જિલ્લાના વાગરા ઔદ્યોગિક વિસ્તારમાં શુક્રવારે મોડી રાત્રે એક કાળજું કંપાવી દેનારી ઔદ્યોગિક દુર્ઘટના સર્જાઈ છે. વાગરા GIDC ના સર્વે નંબર Dp/27 પર આવેલી SynZeal PharmaChem Pvt. Ltd. (સિનઝીલ ફાર્માકેમ પ્રાઇવેટ લિમિટેડ) નામની ફાર્માસ્યુટિકલ કંપનીમાં રાત્રે આશરે 10 વાગ્યાના અરસામાં અચાનક અત્યંત ભીષણ ધડાકો થયો હતો. આ પ્રચંડ વિસ્ફોટમાં કંપનીમાં નાઈટ શિફ્ટમાં કામ કરી રહેલા 5 નિર્દોષ શ્રમિકોના ઘટનાસ્થળે જ કરૂણ અને દર્દનાક મોત નિપજ્યા છે, જ્યારે 1 અન્ય કામદાર ગંભીર રીતે દાઝી જતાં તેને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

ગામડાંઓમાં ભૂકંપ જેવો આંચકો અનુભવાયો

રાત્રિના શાંત વાતાવરણમાં થયેલા આ બ્લાસ્ટની તીવ્રતા એટલી ભયાનક હતી કે સમગ્ર પંથક હચમચી ગયો હતો.વિસ્ફોટનો કાન ફાડી નાખતો અવાજ વાગરા GIDC ની આસપાસ આવેલા 15 કિલોમીટર સુધીના ગ્રામ્ય વિસ્તારોમાં સ્પષ્ટ સંભળાયો હતો.ગામડાંઓમાં રહેતા લોકો કોઈ મોટો ભૂકંપ આવ્યો હોય કે આકાશી આફત ત્રાટકી હોય તેવા ડરથી મકાનોની બહાર દોડી આવ્યા હતા.બ્લાસ્ટ બાદ સિનઝીલ ફાર્માકેમ પરિસરમાં આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા ઉડવા લાગ્યા હતા, જેના કારણે કંપની કેમ્પસમાં ભારે નાસભાગ અને ચિચિયારીઓ મચી ગઈ હતી.

5 શ્રમિકોના કરૂણ મોત, 1 ગંભીર ઈજાગ્રસ્તને ભરૂચ ખસેડાયો

દુર્ઘટના એટલી અણધારી અને પ્રચંડ હતી કે કામદારોને જીવ બચાવીને ભાગવાની તક પણ ન મળી. પ્લાન્ટમાં ફરજ બજાવી રહેલા ૫ કમનસીબ કામદારો ઘટનાસ્થળે જ કાળનો કોળિયો બની ગયા હતા.1 કામદાર અત્યંત ગંભીર હાલતમાં ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક 108 મારફતે ભરૂચની APX હોસ્પિટલ ખાતે આઈસીયુ (ICU) સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે.મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક ચકાસણી માટે વાગરા અને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે.

ફાયર ટેન્કર બંધ પડતાં લોકો અને પોલીસે ધક્કો મારવો પડ્યો! 

આ ગંભીર હોનારત વચ્ચે સરકારી અને સ્થાનિક સુરક્ષા વ્યવસ્થાની મોટી પોલ પણ ખુલ્લી પડી ગઈ હતી. ઘટનાની જાણ થતાં આગ પર કાબૂ મેળવવા પહોંચેલું ફાયર ફાઈટર ટેન્કર ટેકનિકલ ખામીના કારણે રસ્તામાં જ બગડી ગયું હતું.તાકીદની કટોકટી વેળાએ સ્થાનિક નાગરિકો અને વાગરા પોલીસના જવાનોએ એકઠા થઈને ફાયર ટેન્કરને ધક્કો મારીને ચાલુ કરવું પડ્યું હતું.ટેન્કર ચાલુ થયા બાદ ભારે જહેમતે કંપની પરિસરમાં રાહત અને બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.

ઔદ્યોગિક સલામતી સામે ગંભીર સવાલો, તપાસના આદેશ

વાગરા પોલીસ અને જિલ્લા વહીવટી તંત્રની ટીમો રાત્રે જ સ્થળ પર પહોંચી સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. કંપનીમાં રિએક્ટર બ્લાસ્ટ થયો કે કોઈ જોખમી કેમિકલ પ્રોસેસિંગ દરમિયાન પ્રેશર વધતાં વિસ્ફોટ થયો તે દિશામાં FSL અને ડિરેક્ટરેટ ઓફ ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ (DISH) દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરાઈ છે.કંપનીમાં સેફ્ટી ઓડિટ ક્યારે થયું હતું અને સુરક્ષાના નિર્ધારિત નિયમોનું પાલન થતું હતું કે કેમ તે અંગે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

 આ પણ વાંચો:Ahmedabad: શહેરના માથે ભમતું મોટું જળસંકટ! દૈનિક 1,763 MLD પાણીની માગ સામે વિતરણ વ્યવસ્થા ડામાડોળ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *