ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં આવેલા સાળંગપુર ગામ નજીકથી એક અત્યંત ચોંકાવનારી અને દર્દનાક ઘટના સામે આવી છે. અહીં નશાના કારણે 3 યુવાનોના શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. એકસાથે ત્રણ-ત્રણ યુવાનોના મોતના સમાચાર વાયુવેગે પ્રસરતાં જ સાળંગપુર ગામ સહિત સમગ્ર અંકલેશ્વર પંથકમાં ભારે અરેરાટી અને ખળભળાટ વ્યાપી ગયો છે.
4 યુવાનોએ કર્યો હતો નશો, 1 ની હાલત ગંભીર
મળતી પ્રાથમિક વિગતો અનુસાર, કુલ 4 યુવાનોએ એકત્ર થઈને કોઈ પદાર્થનો નશો કર્યો હતો. નશો કર્યાના થોડા જ સમયમાં તમામની તબિયત લથડવા લાગી હતી, જેમાં 3 યુવાનોના મોત નીપજ્યા હતા, જ્યારે એક યુવાનની તબિયત અત્યંત નાજુક બનતાં તેને તુરંત સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. યુવાનોએ કયા પ્રકારનો નશો કર્યો હતો અને મોતનું ચોક્કસ કારણ શું છે તે અંગેનો ખુલાસો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ થઈ શકશે.
ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા, તપાસ ચાલુ
ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને ભરૂચ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તુરંત સાળંગપુર ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહોને કબ્જે લઈને પંચનામું કરી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યા છે. યુવાનોના મોત પાછળનું કારણ હાલ અકબંધ હોવાથી પોલીસે આસપાસના લોકોની પૂછપરછ શરૂ કરી છે અને ઘટના પાછળના સાચા કારણો બહાર લાવવા માટે ઊંડાણપૂર્વકની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : Ahmedabad ક્રાઈમ બ્રાન્ચનો મોટો સપાટો, રાજસ્થાનના 2002ના હત્યા કેસમાં 24 વર્ષથી ફરાર આરોપી દિનેશ દેસાઈ ઝડપાયો
