ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. શહેરના કરચલિયાપરા વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોવાની વધુ એક શરમજનક ઘટના સામે આવી છે. જૂની અદાવતની દાઝ રાખીને ત્રણ જેટલા શખ્સો હાથમાં તલવાર, ધારિયા અને ધોકા જેવા ઘાતક હથિયારો લઈને સીધા એક મહિલાની કરિયાણાની દુકાને પહોંચી ગયા હતા અને ત્યાં ભારે બબાલ મચાવી હતી.
મહિલા અને તેના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી
દુકાન પર ધસી આવેલા કમલ રમેશ મકવાણા, મિહિર પ્રવીણ બારૈયા અને એક અન્ય અજાણ્યા શખ્સ દ્વારા મહિલા અને તેના પુત્રને જાહેરમાં ગાળો બોલીને જાનથી મારી નાખવાની ગંભીર ધમકીઓ આપવામાં આવી હતી. આ સમગ્ર લજ્જાસ્પદ અને ભયાનક ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે આ શખ્સો હાથમાં હથિયારો સાથે આતંક મચાવી રહ્યા છે. આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારના રહીશોમાં ભારે ગભરાટ અને ફફડાટ વ્યાપી ગયો છે.
SP બંગલે પહોંચ્યા બાદ રાત્રે ગંગાજળિયા પોલીસ દ્વારા ગુનો દાખલ
આ મામલે પીડિત મહિલા ભારતીબેન રમેશ બારૈયા ન્યાય મેળવવા માટે મોડી રાત્રે ૧૨ વાગ્યે સીધા એસપી (SP) ના બંગલે પહોંચ્યા હતા અને પોતાની આપવીતી રજૂ કરી હતી. ઉચ્ચ સ્તરેથી રજૂઆત થયા બાદ મોડી રાત્રે ગંગાજળિયા પોલીસ સ્ટેશન દ્વારા આ મામલે સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ આ જ વિસ્તારમાં અસામાજિક તત્વોના ત્રાસને લઈને પૂર્વ કોર્પોરેટર દ્વારા ગૃહમંત્રીને લેખિત પત્ર લખવામાં આવ્યો હતો. ત્યારે સવાલ એ થાય છે કે શું પોલીસ તંત્ર કડક કાર્યવાહી કરીને નાગરિકોમાં સુરક્ષાની ભાવના જગાવશે કે પછી ગુનેગારો બેફામ ફરતા રહેશે?
આ પણ વાંચો : Gandhinagar News : બેરોજગાર યુવાનો માટે ખુશખબર, ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલાં સરકાર કરશે બમ્પર ભરતીઓ!
