Bhavnagarમાં વિદેશી દારૂની બનાવટી ફેક્ટરી ઝડપાઈ, LCB એ રેલવે કર્મચારી સહિત 3 ની કરી ધરપકડ!

📅 Published: September 13, 2026 | 📂 Category: Crime

ભાવનગર શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ મોટી કાર્યવાહી કરીને વિદેશી દારૂની બનાવટી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. LCB ની ટીમે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને બનાવટી વિદેશી દારૂ બનાવતા રેલવે કર્મચારી સહિત કુલ 3 આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા છે. સ્થળ પરથી પોલીસે 180 ml ની 17 પ્લાસ્ટિકની બોટલો જપ્ત કરી છે. આ ઉપરાંત ફેક્ટરીમાંથી નકલી દારૂ બનાવવા માટે વપરાતું શંકાસ્પદ પ્રવાહી ભરેલો એક કેરબો પણ મળી આવ્યો હતો, જેમાંથી પોલીસે 400 ml નો જથ્થો કબ્જે કર્યો છે.

પ્રવાહીના સેમ્પલ FSL માં મોકલાયા અને સ્ટીકરો જપ્ત

પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવેલા આ કેમિકલ પ્રવાહીની યોગ્ય ચકાસણી માટે 200 ml ની બે બોટલોમાં સેમ્પલ લઈને તેને FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) માં પૃથક્કરણ અર્થે મોકલવા માટેની કાયદેસરની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ દરોડા દરમિયાન ચોંકાવનારી બાબત એ સામે આવી હતી કે, સ્થળ પરથી અલગ-અલગ નામાંકિત બ્રાન્ડના દારૂની બોટલો પર ચોંટાડવા માટેના 382 નંગ નકલી સ્ટીકરો પણ મળી આવ્યા છે. આરોપીઓ સાદા પ્રવાહીમાં કેમિકલ ભેળવીને તેને બ્રાન્ડેડ વિદેશી દારૂના નામે વેચવાનું નેટવર્ક ચલાવતા હોવાનું સામે આવ્યું છે.

10 શખ્સો સામે પ્રોહિબિશન હેઠળ ગુનો, રિમાન્ડની તજવીજ

આ બનાવટી દારૂના કારોબારમાં સંકળાયેલા તમામ 10 જેટલા શખ્સો સામે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પકડાયેલા રેલવે કર્મચારી અને તેના અન્ય બે સાગરીતો સહિત ત્રણેય શખ્સોને પોલીસ રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ બનાવટી દારૂનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું હતું અને તેમાં અન્ય કયા-કયા ઈસમોની સંડોવણી છે તે દિશામાં LCB પોલીસે ઊંડાણપૂર્વક આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Gujarat Weather News: આજે બપોરે 1 વાગ્યા સુધીમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *