ભાવનગરમાં નકલી અને ઝેરી દારૂ પીવાથી 7 લોકોના કરૂણ મોત નીપજવાના ચર્ચિત કાંડમાં પોલીસ તંત્ર દ્વારા કડક પગલાં ભરવામાં આવ્યા છે. સમગ્ર ઘટનામાં ફરજ પ્રત્યે ઘોર બેદરકારી દાખવવા બદલ રેન્જ આઈજી દ્વારા વરતેજ પોલીસ સ્ટેશનના પી.આઈ. (પોલીસ ઈન્સ્પેક્ટર) એસ.બી. પઢેરીયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

4 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા હતા
ઝેરી દારૂના વેચાણ અને હેરાફેરી અંગે સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા સામે આવતા જ ઉચ્ચ સ્તરેથી આ એક્શન લેવાયા છે. આ ઘટનામાં અગાઉ પણ ભાવનગર એસ.પી. દ્વારા કડક વલણ અપનાવીને વરતેજ પોલીસ મથકના 4 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. PI ના સસ્પેન્શન બાદ પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે અને સમગ્ર કાંડની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે.
ભાવનગર દારૂ કાંડ: ધોલેરામાંથી વિદેશી દારૂ જપ્ત
ભાવનગરના ચર્ચિત દારૂ કાંડમાં અમદાવાદ ગ્રામ્ય LCBએ ધોલેરામાંથી શૈલેષ મેર નામના આરોપી પાસેથી ‘રોયલ સ્ટેગ’ દારૂની 24 બોટલો કબજે કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે ભાવનગર કેસમાં નોંધાયેલી એફઆઈઆરના આરોપી જયદીપ મકવાણાએ આ બોટલો શૈલેષને મોકલી હતી. પોલીસે દારૂની આ બોટલો એફએસએલ (FSL) માં ચકાસણી અર્થે મોકલી આપી છે, તેમજ આ સમગ્ર નેટવર્ક અંગે ગ્રામ્ય LCB અને SMC દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.
એસએમસીની ટીમો 8થી 10 રાજ્યોમાં પહોંચી
ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે ખાસ ‘SIT’ (સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ) ની રચના કરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની 8 થી 10 જેટલી અલગ-અલગ ટીમો હાલ મધ્યપ્રદેશ, હરિયાણા, દિલ્હી અને ગુજરાત સહિતના વિવિધ રાજ્યોમાં દરોડા પાડીને તપાસ ચલાવી રહી છે. મુખ્ય બુટલેગર ગૌતમ સોલંકી અને તેના સાગરીતોએ 25 પેટી નકલી દારૂ બનાવીને સ્થાનિક બુટલેગરોને વેચ્યો હોવાનું સામે આવ્યું છે.
21 શખ્સો સામે પોલીસમાં ફરિયાદ
પોલીસે આ કેસમાં કાયદાકીય શિકંજો કસતાં 21 શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધી છે, જેમાંથી 13 થી વધુ બુટલેગરોની અટકાયત કરી લેવામાં આવી છે. SMC ની ટીમ પકડાયેલા આરોપીઓને ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા હાથ ધરશે.
