ભાવનગર જિલ્લામાં ઉપરવાસમાં થયેલા સાર્વત્રિક વરસાદને પગલે જિલ્લાના મુખ્ય જળાશયોમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ છે. ભાવનગર સિંચાઈ યોજના વર્તુળ અને ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જણાવાયા મુજબ ભાવનગરના 12 સહિત કુલ 16 જળાશયો પૈકી મોટાભાગના ડેમોમાં નોંધપાત્ર જળસંગ્રહ થયો છે. તેમાં 9 ડેમો 100 ટકા ભરાઈ ચૂક્યા છે,જેથી જળ સિંચન વધશે. જળાશયો ઓવરફ્લો થવાના લીધે હેથવાસમાં નદીઓ જીવંત થઈ ગઈ છે.
હાલમાં ઓવરફ્લો સ્થિતિ હોય તેવા 16 પૈકી 9 જળાશયો તેમની નિર્ધારિત ક્ષમતા મુજબ 100% ભરાઈ ગયા છે, જેમાં શેત્રુંજી (પાલીતાણા), રજાવળ (પાલીતાણા), ખાંભડા (ગઢડા), માલણ (મહુવા), રોજકી (મહુવા), પીંગળી (તળાજા), ભીમડાદ (ગઢડા)નો સમાવેશ થાય છે.
આ ઉપરાંત હાલમાં ડેમોમાંથી પાણીનો પ્રવાહ શરૂ હોય ડેમોમાંથી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યુ છે, જેમાં શેત્રુંજી ડેમના 20 દરવાજા ખોલીને 740 ક્યુસેક પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે, તો પીંગળી ડેમના 1 દરવાજો ખોલીને 53 ક્યુસેક પાણી નદીમાં વહાવવામાં આવી રહ્યું છે. માલણ ડેમના 4 દરવાજા દ્વારા 61.48 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. બગડ ડેમના 6 દરવાજા દ્વારા 171.21 ક્યુસેક પાણી વહી રહ્યું છે (જળાશય 82.54% ભરાયેલ છે). વધુમાં રોજકી ડેમના 4 દરવાજા ખોલીને 239.30 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
જળાશયોમાં નોંધપાત્ર આવક થવાથી જમીનમાં જળસિંચન વધ્યુ છે, જેની સામે જળના તળ પણ ઉંચા આવી રહ્યા છે. ખેડૂતોમાં પણ ખૂશીની લહેર છે.
