ભાવનગર જિલ્લામાં બનેલા ચર્ચાસસ્પદ અને દર્દનાક લઠ્ઠાકાંડનો મામલો હવે ગુજરાત હાઈકોર્ટના દ્વારે પહોંચ્યો છે. ઝેરી કેમિકલ યુક્ત દારૂના કારણે સર્જાયેલી આ ભયાનક હોનારતની નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થાય તે માટે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સમક્ષ એક ખાસ અરજી દાખલ કરવામાં આવી છે. એડવોકેટ નીતિન ટી. ગાંધી દ્વારા કરવામાં આવેલી આ પિટિશનમાં માગણી કરવામાં આવી છે કે સમગ્ર પ્રકરણની ગંભીરતાને ધ્યાને રાખીને હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં જ તટસ્થ તપાસ સમિતિ રચીને યોગ્ય તપાસ હાથ ધરવામાં આવે.
યોગ્ય વળતર આપવા હાઈકોર્ટ સમક્ષ અપીલ
અરજીમાં લઠ્ઠાકાંડનો ભોગ બનેલા નિર્દોષ નાગરિકો અને મૃતકોના પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં તેમને તાત્કાલિક ધોરણે આર્થિક સહાય અને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી પણ અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત, ગેરકાયદેસર રીતે ઝેરી કેમિકલનો જથ્થો સપ્લાય કરનારા અને લઠ્ઠાકાંડ માટે જવાબદાર અસામાજિક તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગણી સાથે અરજીમાં રજૂઆત કરવામાં આવી છે.
જવાબદાર અધિકારીઓ સામે આકરાં પગલાં લેવા માગ
હાઈકોર્ટમાં દાખલ કરાયેલી આ પિટિશનમાં માત્ર બુટલેગરો જ નહીં, પરંતુ પોતાની ફરજમાં ગંભીર બેદરકારી દાખવનારા જવાબદાર પોલીસ અધિકારીઓ અને વહીવટી તંત્રના જવાબદારો સામે પણ આકરાં પગલાં લેવાની સ્પષ્ટ માંગણી કરવામાં આવી છે. કાયદાકીય નિષ્ણાતોના મતે હાઈકોર્ટ દ્વારા આ અરજી ગ્રાહ્ય રાખીને ટૂંક સમયમાં સુનાવણી હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે, જેને પગલે સમગ્ર કેસમાં મોટો વળાંક આવી શકે છે.
