ભાવનગર ચર્ચિત લઠ્ઠાકાંડ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલે તપાસનો ધમધમાટ સતત શરૂ રાખ્યો છે. એસએમસીની ટીમે નેટવર્ક ઘેરૂં કરીને વધુ 6 આરોપીઓની સફળતાપૂર્વક ધરપકડ કરી છે. જેમાં મધ્યપ્રદેશથી 2 શખ્સો, ભાવનગર શહેરમાંથી 2 અને નાના ખોખરા ગામમાંથી 2 શખ્સોનો સમાવેશ થાય છે. ઝેરી કેમિકલ અને દારૂના સપ્લાય ચેઇનમાં સામેલ તમામ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલવા પોલીસે આક્રમક વ્યૂહરચના અપનાવી છે.
અત્યાર સુધીમાં કુલ 37 આરોપીઓ જેલહવાલે
ભાવનગર લઠ્ઠાકાંડના મૂળ સુધી પહોંચવા માટે SMCએ હાથ ધરેલી ઊંડાણપૂર્વકની તપાસમાં અત્યાર સુધીમાં કુલ 37 આરોપીઓની અધિકૃત ધરપકડ કરી લેવામાં આવી છે. મૂળ એફઆઈઆરમાં નામજોગ દર્શાવેલા આરોપીઓ પૈકી 15 આરોપીઓને એસએમસીએ દબોચી લીધા છે, જ્યારે તપાસ દરમિયાન ખુલેલા અન્ય 17 સાગરીતોની પણ ધરપકડ કરવામાં આવી છે.
દિલ્હી અને SMC એ ઝડપેલા 9 આરોપીઓને કોર્ટમાં કરાયા રજૂ
પોલીસ તપાસમાં મોટી સફળતા મળતાં તાજેતરમાં દિલ્હીથી ઝડપાયેલા 3 આરોપીઓ અને એસએમસી દ્વારા પકડવામાં આવેલા નવા 6 શખ્સો મળીને કુલ 9 આરોપીઓને આજે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. સરકારી વકીલ દ્વારા આંતરરાજ્ય કેમિકલ સપ્લાય અને ગુનાહિત કાવતરાના મૂળ સુધી પહોંચવા માટે રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. કોર્ટે તમામ દલીલો ગ્રાહ્ય રાખીને 9 એ નવ આરોપીઓના 7 સપ્ટેમ્બર સુધીના સઘન પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.
હજુ પણ મૂળ ફરિયાદના 5 આરોપીઓ ફરાર
એસએમસી દ્વારા લઠ્ઠાકાંડના સમગ્ર નેટવર્કને તોડી પાડવા માટે દરોડા અને તપાસનો દૌર તેજ કરવામાં આવ્યો છે. મૂળ ફરિયાદમાં દર્શાવેલા આરોપીઓ પૈકી હજુ પણ 5 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ રાજ્યોમાં તપાસ ટીમો રવાના કરવામાં આવી છે અને ટૂંક સમયમાં જ બાકીના ગુનેગારો પણ જેલના સળિયા પાછળ ધકેલાશે તેમ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો – 30 August Top News: PM મોદીનો વિદેશ પ્રવાસ અને મુખ્ય સમાચાર અને સંપૂર્ણ ઈતિહાસ
