ભાવનગર તળાજા હાઇવે પર અત્યંત ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે.હાઇવે પર થયેલા આ ભયાનક માર્ગ અકસ્માતમાં 6 વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.જ્યારે એક વ્યક્તિની હાલત અત્યંત નાજુક હોવાથી તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.આ દુર્ઘટનાનો ભોગ બનેલા તમામ મૃતકો ભાવનગર શહેરના જ રહેવાસી હતા. તેઓ રોજિંદા કામકાજ અર્થે અથવા અન્ય વ્યવસાયિક કામસર ભાવનગરથી અલંગ તરફ પોતાની ગાડીમાં જઈ રહ્યા હતા.
કામ પર જઈ રહેલા આ કર્મચારીઓને અકસ્માત નડ્યો
પોલીસ તપાસમાં જાણવા મળેલી વિગતો પ્રમાણે આ તમામ મૃતકો અલંગ શિપ બ્રેકિંગ યાર્ડના પ્લોટ નંબર 24 અને પ્લોટ નંબર 138 સાથે સંકળાયેલા કર્મચારીઓ હતા. રોજની જેમ પોતાના કામ પર જઈ રહેલા આ કર્મચારીઓને અકસ્માત નડ્યો હતો. કારમાં સવાર 6 વ્યક્તિઓના આ ઘટનામાં મોત નિપજ્યાં છે.આસપાસના લોકો અને સ્થાનિક પોલીસ તાત્કાલિક કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.પોલીસે તાત્કાલિક ધોરણે તમામ મૃતકોના શબને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા હતા.આ ભયાનક અકસ્માતમાં અન્ય એક વ્યક્તિજેની ઓળખ જયેશભાઈ વણિક તરીકે થઈ છે તેઓ પણ ગંભીર રીતે ઘાયલ થયા છે.
પરિવારજનો પર આભ તૂટી પડ્યું
જયેશભાઈની તબિયત અત્યંત નાજુક હોવાના કારણે તેમને તાત્કાલિક ધોરણે વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અલંગ યાર્ડના છ કર્મચારીઓના મોતથી તેમના પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે.હોસ્પિટલ બહાર સ્વજનોના રૂદનથી વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું. આ ગંભીર અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો, વાહનની ઝડપ કેટલી હતી તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.હાઇવે પર બનેલી આ ગોઝારી ઘટનાએ ફરી એકવાર બેફામ ચાલતા વાહનો સામે સવાલો ઉભા કર્યા છે.
અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતકોના નામ
વિજય ચંદુલાલ વોરા
પીયૂષ બિપીનચંદ્ર શાહ
પ્રિટેશ બિપિનચંદ્ર ભાયાણી
ભાર્ગવ ગોસાઈ
હિરેન મહેતા
યોગેશ શાહ
