ભાવનગર બેંકમાં થયેલી ભરતી પ્રક્રિયાને લઈને સંદેશ ન્યુઝ પર એક અત્યંત મહત્વનો અને સનસનીખેજ ખુલાસો થયો છે. સંદેશ ન્યુઝ પાસે રજિસ્ટ્રાર સહકારી મંડળી દ્વારા સપ્ટેમ્બર મહિનામાં પાઠવવામાં આવેલી સત્તાવાર નોટિસનો એક્સક્લુઝિવ પુરાવો હાથ લાગ્યો છે. આ નોટિસમાં બેંકમાં થયેલી નાણાકીય ગેરરીતિઓ અને ભરતીમાં આચરવામાં આવેલા મોટા પાયાના કૌભાંડનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેનાથી સમગ્ર સહકારી ક્ષેત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
OMR શીટ પર નામ અને ગુણભારમાં ગોલમાલ
સંદેશ ન્યુઝ પાસે ઉપલબ્ધ નોટિસ મુજબ, ભરતી પ્રક્રિયામાં નિયમોના ધજાગરા ઉડાડવામાં આવ્યા હતા. ઉમેદવારોની OMR શીટ પર સીધા નામ લખાવવામાં આવ્યા હતા અને લેખિત પરીક્ષા પૂરી થયા બાદ ઉમેદવારોના ગુણભાર બદલી નાખવામાં આવ્યા હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે. એટલું જ નહીં, ઓછાં ગુણ ધરાવતા અને અયોગ્ય ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં બોલાવીને પસંદગી યાદીમાં સ્થાન આપવામાં આવ્યું હતું. આ સિવાય, કોઈ પણ લાયકાત વિના ભરતી કરીને બાદમાં તેઓને પટાવાળા તરીકે પણ નિયુક્ત કરી દેવાયા હોવાનું સામે આવ્યું છે.
વાઇસ ચેરમેનના પુત્રની ગોઠવણ અને મંજૂરી વિનાની HR પોલિસીનો આક્ષેપ
આ નોટિસમાં સૌથી મોટો ઉલ્લેખ સગાવાદને પ્રોત્સાહન આપવા અંગે થયો છે, જેમાં બેંકના વાઇસ ચેરમેનના પુત્રની પણ ભરતી કરી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત, સક્ષમ સત્તામંડળની મંજૂરી મેળવ્યા વિના જ નવી HR પોલિસી બનાવીને તેના આધારે આખી ભરતી પ્રક્રિયા પતાવી દેવાઈ હોવાનો આરોપ મૂકાયો છે. સંદેશ ન્યુઝ દ્વારા કરવામાં આવેલા આ પર્દાફાશ બાદ હવે આ કૌભાંડમાં સંકળાયેલા મોટા માથાઓ સામે કડક કાનૂની અને વહીવટી કાર્યવાહી થાય છે કે કેમ તેના પર સૌની નજર ટકેલી છે.
આ પણ વાંચો : Surendranagarના 4 યાત્રીઓ મક્કામાં અટવાયા, અમદાવાદની ફ્લાઇટ રદ થતાં વાપસી અટકી!
