ભાવનગર શહેરમાં પર્યાવરણને નુકસાન પહોંચાડતા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ સામે મહાનગરપાલિકા દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. મનપાના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે ચલાવવામાં આવી રહેલી ડ્રાઈવના ભાગરૂપે સતત બીજા દિવસે પણ સઘન ચેકિંગ અને દરોડાની કાર્યવાહી યથાવત રાખવામાં આવી છે.
ત્રણ સ્થળોથી 400 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત
આજની કાર્યવાહી દરમિયાન મનપાની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી. શહેરના 3 સ્થળો પરથી આશરે 400 કિલો જેટલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા સ્થળ પર જ આ પ્રતિબંધિત સામાન જપ્ત કરીને નિયમોના ભંગ બદલ કુલ રૂપિયા 15,000 ની પેનલ્ટી વસૂલ કરવામાં આવી છે.

બે દિવસની કામગીરીના ચોંકાવનારા આંકડા
આ ડ્રાઈવના પાછલા દિવસોના રેકોર્ડ પર નજર કરીએ તો, ગત રોજ ચિત્રા GIDC માં આવેલ શ્રીજી પેકેજિંગમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો મોટો જથ્થો ઝડપાયો હતો. આ ઉપરાંત સિંધુનગરના એક સ્ટોર પરથી પણ 450 કિલો પ્લાસ્ટિકનો સામાન મળી આવતા તેને કબ્જે કરાયો હતો. છેલ્લા બે દિવસ દરમિયાન મનપાએ કુલ રૂપિયા 4.15 લાખ ની અંદાજિત કિંમતનું 2.8 ટન પ્રતિબંધિત પ્લાસ્ટિક સફળતાપૂર્વક ઝડપી પાડ્યું છે.

આગામી દિવસોમાં પણ ડ્રાઈવ ચાલુ રહેશે
શહેરમાં સિંગલ યુઝ્ડ પ્લાસ્ટિક અને પ્રતિબંધિત જથ્થાના વેચાણ તથા સંગ્રહને સંપૂર્ણપણે ડામી દેવા માટે મનપાનું તંત્ર સક્રિય બન્યું છે. સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે, આગામી દિવસોમાં પણ આ પ્રકારની કડક કાર્યવાહી અને ડ્રાઈવ નિયમિતપણે ચાલુ રાખવામાં આવશે, જેથી શહેરમાં પર્યાવરણની જાળવણી થઈ શકે.
<a href="
=” target=”_blank”>
=
આ પણ વાંચો: Bhavnagar News: કોંગ્રેસે ‘લોકશાહીનો કાળો દિવસ’ ઉજવ્યો, પોલીસ સાથે ઘર્ષણ બાદ અનેક કાર્યકરોની અટકાયત
