Bhavnagar News : બિરજુ બારોટ અને ઉર્વશી રાદડિયા જમાવશે ડાયરાની રમઝટ, રાંધણ છઠ્ઠના દિવસથી મેળાનો પ્રારંભ

📅 Published: August 30, 2026 | 📂 Category: gujarati-news

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પવિત્ર જન્માષ્ટમી પર્વની ઉજવણીના ભાગરૂપે શહેરના જવાહર મેદાન ખાતે ત્રણ દિવસીય ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ અને ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાંસ્કૃતિક મેળાનું ઉદ્ઘાટન રાંધણ છઠ્ઠના દિવસે વિવિધ મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવશે. આ ખાસ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રીને પણ વિશેષ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે અને આ ત્રણ દિવસ દરમિયાન તેઓ આ ઉત્સવમાં હાજરી આપે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.

30,000 બાળકોને મફત પાસ અને સખી મંડળોના સ્ટોલ બનશે આકર્ષણ

મનપા દ્વારા આયોજિત આ મેળામાં નગર પ્રાથમિક શાળાના આશરે 30,000 જેટલાં બાળકો આનંદ મેળાની મજા માણી શકે તે માટે મફત પાસનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત મુલાકાતીઓના સ્વાદપ્રિય આયોજન માટે 24 સ્ટોલ ધરાવતું વિશાળ ફૂડ કોર્ટ પણ ઊભું કરવામાં આવશે. મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવાના હેતુથી આ ફૂડ કોર્ટમાં 20 જેટલા સ્ટોલ ખાસ સખી મંડળો માટે અનામત રાખવામાં આવ્યા છે, જેથી સ્થાનિક મહિલાઓને પણ રોજગારી અને મંચ મળી રહે.

લોકપ્રિય કલાકારો જમાવશે ડાયરા અને લોકસંગીતની રમઝટ

ત્રણ દિવસ દરમિયાન ભાવનગરવાસીઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભવ્ય લોકડાયરાનું આયોજન કરાયું છે. જેમાં બિરજુ બારોટ, ઉર્વશી રાદડિયા, અપેક્ષા પંડ્યા અને વિવેક સાંચલા જેવા ગુજરાતના ખ્યાતનામ કલાકારોની સાથે સ્થાનિક ભાવનગરના સંગીતકારો પણ પોતાની આગવી શૈલીમાં સુર-તાલની રમઝટ બોલાવશે. સાંસ્કૃતિક વારસો અને મનોરંજનના સમન્વય સમાન આ મેળો જન્માષ્ટમી પર્વ દરમિયાન સમગ્ર ભાવનગર શહેર માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની રહેશે.

આ પણ વાંચો : Surendranagar News : થાનગઢમાં દારૂના જથ્થા પર LCBનો સપાટો, 2.92 લાખનો મુદ્દામાલ જપ્ત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *