ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસ સતત સક્રિય છે. ત્યારે મોટી ખુંટવડા પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે એક મોટી સફળતા મેળવતા ગેરકાયદે રીતે ઉગાડવામાં આવેલા લીલા ગાંજાના વાવેતરનો પર્દાફાશ કર્યો છે.
વાડીમાંથી મળી આવ્યા 19 લીલા ગાંજાના છોડ
પોલીસ તપાસ દરમિયાન મહુવા તાલુકાના કાકીડી ગામની એક વાડીમાં ગેરકાયદે ગાંજાની ખેતી થતી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે દરોડો પાડીને ત્યાંથી કુલ 19 લીલા ગાંજાના છોડ જપ્ત કર્યા છે, જેનું વજન અંદાજે 5 કિલો 780 ગ્રામ જેટલું થાય છે.
પરેશભાઈ ઉર્ફે પ્રવીણભાઈ ચાવડાની ધરપકડ
આ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલા આરોપી પરેશભાઈ ઉર્ફે પ્રવીણભાઈ ચાવડાની પોલીસે ધરપકડ કરી લીધી છે. આ આરોપી પોતાની જ વાડીમાં આ પ્રકારે માદક પદાર્થનું વાવેતર કરતો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

રૂપિયા 2,89,000 નો મુદ્દામાલ જપ્ત
પોલીસ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર જપ્ત કરવામાં આવેલા ગાંજાના છોડ અને અન્ય મુદ્દામાલની કુલ કિંમત રૂપિયા 2,89,000 દર્શાવામાં આવી છે. પોલીસે આ તમામ મુદ્દામાલ પોતાના કબજે લઈને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રૂપિયાની લાલચમાં શરૂ કર્યું હતું ગેરકાયદે વાવેતર
પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે, ઝડપાયેલા શખ્સે ઝડપથી વધુ રૂપિયા કમાવવાની લાલચમાં આવીને પોતાની જ વાડીમાં આ ગુનાહિત અને ગેરકાયદે ગાંજાનું વાવેતર કર્યું હતું. જોકે, પોલીસની સમયસૂચકતા અને બાતમીદારીના કારણે તેનો નશાનો કાળો કારોબાર પકડાઈ ગયો છે.
આ પણ વાંચો: Bhavnagarમાં ACBમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ રહસ્યમય સંજોગોમાં ગુમ, જયેન્દ્રસિંહ ગોહિલનો પત્તો ન મળતા ચકચાર
