ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વલ્લભીપુરના જલાલપુર ગામે જૂની અદાવતની અદાવત રાખીને એક પિતરાઈ ભાઈએ પોતાના જ પરિવારના સભ્યો પર ખૂની હુમલો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.
પિતરાઈ ભાઈએ ઘરમાં ઘૂસીને ધોકા વડે મચાવ્યો આતંક
પ્રાપ્ત વિગતો અનુસાર, જલાલપુર ગામે રહેતા ભરત ઉર્ફે પઠાણ કવભાઈ સોલંકી નામના શખ્સે અગાઉની કોઈદિની જૂની અદાવતનું મનદુઃખ રાખીને સીધા ઘરમાં ઘૂસી આવ્યો હતો. આરોપીએ હાથમાં ધોકો રાખીને નિર્દયતાપૂર્વક પતિ-પત્ની પર હુમલો કર્યો હતો. અચાનક થયેલા આ હુમલાને કારણે ઘરમાં દોડધામ મચી ગઈ હતી અને દંપતી ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ઇજાગ્રસ્ત ભરતભાઈ સોલંકીને વધુ સારવાર માટે ભાવનગર કરાયા રિફર
આ હુમલાની ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા ભરતભાઈ વિરસંગભાઈ સોલંકી અને તેમના પત્નીને તાત્કાલિક ધોરણે 108 એમ્બ્યુલન્સ મારફતે વલ્લભીપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ઇજાઓની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફરજ પરના તબીબો દ્વારા ભરતભાઈને વધુ અને સઘન સારવાર માટે ભાવનગરની મોટી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.

પોલીસે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી
આ સમગ્ર મામલે ઇજાગ્રસ્ત પરિવાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા વલ્લભીપુર પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક દોડી આવ્યો હતો. પોલીસે પિતરાઈ ભાઈ વિરુદ્ધ ગુનો નોંધીને તેને ઝડપી પાડવા અને આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. જૂની અદાવતના કારણે બનેલી આ ઘટનાથી ગ્રામ્ય પંથકમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: Bhavnagar News: મહુવા તાલુકાના કાકીડી ગામે ઝડપાયું ગેરકાયદે લીલા ગાંજાનું વાવેતર, એક શખ્સની ધરપકડ
