ભારતીય બોલર ભુવનેશ્વર કુમાર આઇપીએલ સહિત વિવિધ લીગ મેચોમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. વર્ષ 2026ની યુપી T20 લીગમાં પણ તેણે ઘાતક બોલિંગ કરી હતી. અને વર્ષ 2025ની IPLથી તે ફરી એકવાર રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સાથે જોડાયો હતો. તેણે બંને સીઝનમાં શાનદાર બોલિંગ કરી છે. આ પ્રદર્શનને જોતાં ભુવીને ફરીથી ભારતીય ટીમમાં સ્થાન આપવાની માંગ પ્રબળ બની છે. તેણે ભારત માટે પોતાની છેલ્લી મેચ નવેમ્બર 2022માં રમી હતી.
ટીમ ઇન્ડિયામાં વાપસી અંગે ભુવીનો મોટો ખુલાસો
ટીમ ઇન્ડિયામાં વાપસીની અટકળો વચ્ચે ભુવનેશ્વર કુમારે એક મોટું નિવેદન આપ્યું છે. ભુવીએ ખુલાસો કર્યો કે ચાર વર્ષ પહેલાં જ તેમને ભારતીય ટીમમાંથી બહાર થવાના સંકેતો મળી ગયા હતા. વાપસી અંગે વાત કરતાં આ અનુભવી બોલરે જણાવ્યું કે, તેણે ચાર વર્ષ અગાઉ જ પોતાની પત્ની નૂપુરને કહી દીધું હતું કે, હવે રાષ્ટ્રીય ટીમમાં તેનો સમય પૂરો થઈ ગયો છે.
હવે કંઈ સાબિત કરવાની જરૂર નથી
ભુવીએ કહ્યું હતું કે, હું હવે કંઈ સાબિત કરવા માટે નથી રમી રહ્યો, પરંતુ જો મને ભારત માટે ફરી રમવાની તક મળશે તો મને ખુશી થશે. હવે હું એ તબક્કામાંથી બહાર નીકળી ગયો છું, જ્યાં હું આગામી શ્રેણીની પસંદગીની રાહ જોતો હતો. ઓસ્ટ્રેલિયાની ધરતી પર રમાયેલા 2022ના T20 વર્લ્ડ કપના સેમિફાઇનલમાં હાર્યા બાદ ભારતીય ટીમ બહાર થઈ ગઈ હતી. આ હાર બાદ જ ભુવનેશ્વર કુમારને ખ્યાલ આવી ગયો હતો કે, હવે ભારતીય ટીમમાં તેમની વાપસી થવી મુશ્કેલ છે.
એડિલેડની હાર બાદ પત્ની નૂપુર સાથેની વાતચીત
આ પ્રસંગને યાદ કરતાં ભુવીએ કહ્યું, એડિલેડમાં આ ઘટના બની હતી. મેચ પૂરી થયા બાદ હું મારા રૂમમાં આવ્યો અને પત્ની નૂપુરને વાત કરી. મેં મારા ક્રિકેટના અનુભવના આધારે તેને જણાવ્યું હતું. ડ્રેસિંગ રૂમમાં સૌ કોઈ નિરાશ હતા અને ત્યાંથી નીકળતા પહેલાં કેટલીક ચર્ચાઓ થઈ હતી. પરંતુ રૂમમાં આવીને મેં નૂપુરને સ્પષ્ટ કહી દીધું કે આ મારો છેલ્લો વર્લ્ડ કપ હતો. મારા અનુભવ મુજબ, જ્યારે તમે આ પ્રકારની મોટી ટૂર્નામેન્ટ હારો છો ત્યારે સિલેક્ટર્સ ભવિષ્ય તરફ જોવાનું શરૂ કરે છે, જે યોગ્ય પણ છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભુવનેશ્વરની કારકિર્દી
ભારત માટે ત્રણેય ફોર્મેટમાં રમી ચૂકેલા ભુવનેશ્વર કુમારે અત્યાર સુધી પોતાની કારકિર્દીમાં 21 ટેસ્ટ, 121 વનડે અને 87 T20 આંતરરાષ્ટ્રીય મેચો રમી છે. તેમણે ટેસ્ટ ક્રિકેટમાં 63 વિકેટ, વનડેમાં 141 વિકેટ અને T20 આંતરરાષ્ટ્રીયમાં 90 વિકેટ ઝડપી છે.
