ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર પાસે ન્યૂઝીલેન્ડ સામેની T20 સિરીઝમાં બે મોટી સિદ્ધિ મેળવવાની તક છે. 22 ઓક્ટોબરથી શરૂ થનારી પાંચ મેચની T20 સિરીઝમાં ભુવનેશ્વર T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 વિકેટ પૂરી કરી શકે છે. આ ઉપરાંત તેની પાસે તમામ આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં 300 વિકેટ પૂરી કરવાની તક પણ છે. ભુવનેશ્વરના નામે હાલમાં 87 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 90 વિકેટ છે. જ્યારે ટેસ્ટ, વનડે અને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મળીને તેણે કુલ 294 વિકેટ લીધી છે. એટલે કે આ બંને રેકોર્ડથી તે નજીક છે.
T20Iમાં 100 વિકેટથી માત્ર 10 વિકેટ દૂર
ભુવનેશ્વર કુમારે ભારત માટે 87 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 90 વિકેટ લીધી છે. હવે જો તે ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં વધુ 10 વિકેટ લેશે તો T20Iમાં 100 વિકેટ પૂરી કરી લેશે. આ સિદ્ધિ મેળવનાર તે પાંચમો ભારતીય બોલર બની શકે છે. અત્યાર સુધી અર્શદીપ સિંહે 145, જસપ્રીત બુમરાહે 126, હાર્દિક પંડ્યાએ 114 અને અક્ષર પટેલે 113 T20 આંતરરાષ્ટ્રીય વિકેટ લીધી છે. ભુવનેશ્વરે આ ફોર્મેટમાં બે વખત એક ઇનિંગમાં પાંચ વિકેટ અને ત્રણ વખત ચાર વિકેટ લેવાની સિદ્ધિ પણ મેળવી છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 300 વિકેટનો આંકડો થશે પૂરો?
ભુવનેશ્વર કુમાર પાસે બીજી મોટી સિદ્ધિ મેળવવાની પણ તક છે. તેના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હાલમાં 294 વિકેટ છે. ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં વધુ 6 વિકેટ લેતાં જ તે 300 વિકેટનો આંકડો પાર કરી જશે. જો તે આ સિદ્ધિ મેળવે તો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 300 વિકેટ લેનારો ભારતનો 14મો બોલર બની શકે છે. આ ઉપરાંત તે આ આંકડો પાર કરનારો ભારતનો નવમો ફાસ્ટ બોલર બની શકે છે.
IPLમાં શાનદાર પ્રદર્શનથી ટીમ ઇન્ડિયામાં વાપસી
36 વર્ષના ભુવનેશ્વર કુમારને ન્યૂઝીલેન્ડ સામેની T20 સિરીઝ માટે ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે તેના સારા પ્રદર્શન બાદ તેની વાપસી થઈ છે. 2025 અને 2026ની IPL સિઝનમાં ભુવનેશ્વરે 31 મેચમાં 45 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેની બોલિંગની સરેરાશ 22.55 અને ઇકોનોમી 8.52 રહી હતી. RCBએ આ બંને સિઝનમાં સતત ટાઇટલ જીત્યાં હતાં. હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ તે આ જ પ્રદર્શન ચાલુ રાખીને બે મોટી સિદ્ધિ મેળવવાનો પ્રયાસ કરશે.
22 ઓક્ટોબરથી ભારત-ન્યૂઝીલેન્ડ T20 સિરીઝ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની T20 આંતરરાષ્ટ્રીય સિરીઝ 22 ઓક્ટોબરથી શરૂ થવાની છે. આ સિરીઝમાં ભુવનેશ્વરને રમવાની તક મળે તો તેની પાસે બંને રેકોર્ડની નજીક પહોંચવાની તક રહેશે. ભુવનેશ્વર તેની સ્વિંગ બોલિંગ માટે જાણીતો છે. હવે ચાહકોની નજર તેના પ્રદર્શન પર રહેશે કે તે ન્યૂઝીલેન્ડ સામે કેટલી વિકેટ લઈ શકે છે અને શું આ સિરીઝમાં 100 T20I વિકેટ તથા 300 આંતરરાષ્ટ્રીય વિકેટનો આંકડો પૂરો કરી શકે છે.
આ પણ વાંચો: Jonty Rhodes: ફિલ્ડિંગના બાદશાહે કહ્યુ’હું અડધો ભારતીય છું’, ભારત સાથેનું જોડાણ જાણીને ચોંકી જશો !
