Bihar: છઠ પૂજા વચ્ચે હ્રદયદ્રાવક ઘટના,પ્રસાદ એંઠો કરતાં માતાએ પોતાની જ દીકરીને ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતારી

📅 Published: November 16, 2026 | 📂 Category: India National

બિહારના સમસ્તીપુરમાં છઠ પૂજાની તૈયારીઓ વચ્ચે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે.  છઠ પૂજાનો પ્રસાદ એંઠો થઇ જતાં આ વાતથી ગુસ્સે ભરાયેલી એક માતાએ પોતાની જ 4 વર્ષની માસૂમ દીકરીને એટલી ક્રૂરતાપૂર્વક માર માર્યો કે તેનું મોત થઈ ગયું.

લોકઆસ્થાના મહાપર્વ છઠ પૂજાની તૈયારીઓ વચ્ચે પૂસા પોલીસ સ્ટેશન વિસ્તારના મોહમ્મદપુર બિરૌલી ગામમાં આ ચોંકાવનારી ઘટના બની હતી. પૂજા માટે બનાવવામાં આવેલા પ્રસાદના પકવાનને દીકરીએ એઠો કરી દેતાં માતા ગુસ્સે ભરાઈ હતી અને તેણે માસૂમને માર માર્યો હતો. ત્યારબાદ બાળકીની તબિયત લથડી હતી.

પરિવારજનો તેને સારવાર માટે ખાનગી નર્સિંગ હોમમાં લઈ ગયા હતા, જ્યાં તબીબોએ તપાસ બાદ તેને મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસે આરોપી માતા રીના કુમારીની ધરપકડ કરી છે. મૃત બાળકીની ઓળખ વોર્ડ નંબર 12માં રહેતા રાજુ પાસવાનની દીકરી સુહાની કુમારી તરીકે થઈ છે.

પ્રસાદ એઠો કરતાં માસૂમ પર માતાનો ગુસ્સો ઉતર્યો

બાળકીના પિતા રાજુ પાસવાને પોલીસને જણાવ્યું કે છઠ પૂજાને લઈને પરિવારના સભ્યો ઘર પાસે ઘાટ તૈયાર કરવા ગયા હતા. આ દરમિયાન તેમની પત્ની રીના કુમારી ઘરમાં પૂજા માટે પ્રસાદના પકવાન બનાવી રહી હતી.

એવામાં તેમની નાની દીકરી સુહાનીએ પકવાન એઠા કરી દીધા હતા. આ વાતથી ગુસ્સે ભરાયેલી રીનાએ બાળકીની મારપીટ કરી હતી. થોડા સમય બાદ સુહાનીની તબિયત બગડવા લાગી હતી.

ત્યારબાદ માતા પોતે જ બાળકીને લઈને ખાનગી નર્સિંગ હોમ પહોંચી હતી, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.

દીકરીના મોતથી પિતા ઘેરા આઘાતમાં

4 વર્ષની સુહાનીના મોતને પગલે પિતા રાજુ પાસવાનની હાલત રડી-રડીને ખરાબ થઈ ગઈ છે. જે ઘરમાં છઠ પૂજાના તહેવારની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી હતી, ત્યાં એક જ ક્ષણમાં ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો.

પિતાએ ભારે હૈયે કહ્યું કે જ્યારે તેમની દીકરી જ આ દુનિયામાં નથી રહી, ત્યારે આવી પૂજાનો શું ફાયદો? તેમણે પોતાની પત્નીને કડક સજા કરવાની માગ કરી છે.

રાજુએ કહ્યું કે હવે તેમને આવી પત્નીની જરૂર નથી. તેઓ પોતાનાં બાળકોનો ઉછેર એકલા હાથે કરી લેશે. તેમને કુલ 3 બાળકો હતા. જેમાં 7 વર્ષની દીકરી શિવાની, 4 વર્ષની સુહાની અને દોઢ વર્ષનો દીકરો રાજા કુમાર હતા, જો કે હવે સુહાનીના મોત બાદ એક દીકરો અને દીકરી જ રહ્યા છે. 

આરોપી માતા પોલીસની કસ્ટડીમાં, પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ

ઘટનાની જાણ થતાં જ પૂસા પોલીસ સ્ટેશનના પ્રભારી રમેશ કુમાર પોલીસ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે બાળકીના મૃતદેહને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે સદર હોસ્પિટલ મોકલી આપ્યો હતો.

પોલીસ સ્ટેશનના પ્રભારીએ જણાવ્યું કે મોહમ્મદપુર બિરૌલી ગામમાં 4 વર્ષની બાળકીના મોતની માહિતી મળી હતી. આ કેસમાં આરોપી માતાને કસ્ટડીમાં લેવામાં આવી છે.

હાલ પોલીસ ઘટનાના તમામ પાસાંની તપાસ કરી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ બાળકીના મોતનું ચોક્કસ કારણ વધુ સ્પષ્ટ થશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *