રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં લોકોના આરોગ્ય અને સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતા નકલી ડૉક્ટરો સામે પોલીસે અને આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે. સઘન દરોડા અને ગુપ્ત બાતમીના આધારે કરવામાં આવેલી કડક કાર્યવાહી દરમિયાન જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાંથી કોઈ પણ પ્રકારની માન્ય મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા 17 જેટલા નકલી ડૉક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ કડક કાર્યવાહીથી સમગ્ર રાજકોટ જિલ્લાના બોગસ તબીબોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
મોટાભાગના નકલી ડૉક્ટરો માત્ર 10 કે 12 પાસ
પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં અત્યંત ચોંકાવનારી વિગતો સામે આવી છે. પકડાયેલા 17 નકલી ડૉક્ટરોમાંથી મોટાભાગના શખ્સો માત્ર 10 કે 12 ધોરણ સુધીનો જ અભ્યાસ ધરાવે છે. કોઈપણ પ્રકારની અધિકૃત વૈદ્યકીય તાલીમ કે લાયકાત ન હોવા છતાં, આ બોગસ તબીબો વર્ષોથી એલોપેથિક દવાઓ, એન્ટિબાયોટિક્સ અને ઇંજેક્શનો આપીને નિર્દોષ ગ્રામજનોના જીવ સાથે જોખમ ઊભું કરી રહ્યા હતા. ક્લિનિકોમાંથી મોટા પ્રમાણમાં એલોપેથિક દવાઓ અને મેડિકલ સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા છે.
નકલી ડૉક્ટરોનો આંકડો હજુ વધવાની શક્યતા
રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા આ મામલે વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધીને વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. તંત્રના જણાવ્યા મુજબ, હજુ પણ કેટલાક વિસ્તારોમાં આવા બોગસ તબીબો સક્રિય હોવાની આશંકા છે, જેના કારણે આગામી દિવસોમાં આ નકલી ડૉક્ટરોનો આંકડો વધુ વધવાની પૂરેપૂરી શક્યતા છે. આ કાળા કારોબારમાં સંકળાયેલા અન્ય લોકો તેમજ તેમને ગેરકાયદેસર રીતે દવાઓ સપ્લાય કરનાર નેટવર્ક સુધી પહોંચવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ વધુ તેજ બનાવી છે.
આ પણ વાંચો : Bogus Doctors in Rajkot: જસદણમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો! એક સાથે ત્રણની ધરપકડ
