Bomb Threat : રાજ્યભરની જેલોને બોમ્બથી ઉડાવવાની ધમકીથી સનસનાટી, જામનગર, વડોદરા અને મોરબીમાં પોલીસનું મેગા સર્ચ ઓપરેશન

📅 Published: November 3, 2026 | 📂 Category: Crime

ગુજરાત રાજ્યની વિવિધ જેલો અને સુરક્ષા સંસ્થાઓને ટાર્ગેટ કરીને ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર ધમકી મળતા સુરક્ષા એજન્સીઓમાં ભારે દોડધામ મચી ગઈ છે. રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP) ની ઓફિસને ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ તુરંત જ રાજ્યભરની જેલોને એલર્ટ કરવામાં આવી હતી. આ ધમકીમાં કોઈ ચોક્કસ જગ્યા કે જેલનું નામ સ્પષ્ટ ન હોવાના કારણે સાવચેતીના ભાગરૂપે જામનગર, વડોદરા અને મોરબી સહિતની જેલોમાં તાત્કાલિક ધોરણે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેથી કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળી શકાય.

જામનગર, વડોદરા અને મોરબી જેલોમાં ચેકિંગ

જામનગર જિલ્લામાં પોલીસ તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડમાં આવી ગયું હતું, જ્યાં SOG, BDDS (બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ) અને ફાયર વિભાગની ટીમો દ્વારા જિલ્લા જેલમાં સઘન તપાસ હાથ ધરાઈ હતી. આ ઉપરાંત સુરક્ષાના ભાગરૂપે શહેરના પ્રખ્યાત બાલા હનુમાન મંદિર પરિસરમાં પણ વિશેષ ચેકિંગ કરવામાં આવ્યું હતું. બીજી તરફ, વડોદરા જેલ બોમ્બ ધમકી મામલે વડોદરા જેલના સુપ્રીટેન્ડન્ટે નિવેદન આપતા જણાવ્યું હતું કે સવારે જ જેલને ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો અને ડીજીપી ઓફિસથી જાણ થતાં જ બોમ્બ તથા ડોગ સ્ક્વોડ દ્વારા જેલના પ્રત્યેક બેરેકનું ઝીણવટભર્યું ચેકિંગ કરાયું હતું.

હાલ સુધી કઈ શંકાસ્પદ ન મળતા તંત્રએ લીધો રાહતનો શ્વાસ

મોરબી ખાતે પણ જેલમાં બોમ્બ હોવાનો ઈમેલ મળતાં મોરબી પોલીસ તુરંત હરકતમાં આવી ગઈ હતી. મોરબી LCB પોલીસ અને A ડિવિઝન પોલીસની ટીમો દ્વારા જેલ પરિસરમાં પહોંચીને કડક તપાસ હાથ ધરવામાં આવી હતી. મોરબી જેલના જેલરે જણાવ્યું હતું કે હાલમાં પોલીસ તપાસ દરમિયાન કોઈ પણ પ્રકારની શંકાસ્પદ ચીજવસ્તુ મળી આવી નથી. જામનગર, વડોદરા અને મોરબી સહિત રાજ્યની તમામ જેલોમાં ચાલેલી આ લાંબી તપાસ પૂર્ણ થયા બાદ કશું શંકાસ્પદ ન મળતા આખરે પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓએ રાહતનો શ્વાસ લીધો છે, જ્યારે સાયબર ક્રાઈમ દ્વારા આ ફેક મેઈલ મોકલનાર અજાણ્યા શખ્સની સઘન શોધખોળ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Bomb Threat : સાબરમતી જેલ અને પાટણ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી, મેઈલ મળતા જ પોલીસ તંત્ર એલર્ટ મોડમાં


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *