રાણપુર શહેરના સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ચાલતી સરકારી યોજનાઓમાં ગેરરીતિ આચરવામાં આવતી હોવાનો ચોંકાવનારો મારો સામે આવ્યો છે. ‘માં અમૃતમ યોજના’ અંતર્ગત દર્દીઓ સાથે છેતરપિંડી થઈ હોવાના આક્ષેપોથી સ્થાનિક રાજકારણ અને આરોગ્ય વિભાગમાં હલચલ મચી ગઈ છે.
વિરોધ પક્ષના નેતાના ગંભીર આક્ષેપો
રાણપુર તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા દ્વારા આ સમગ્ર મામલે લેખિત રજૂઆત કરીને તંત્ર સમક્ષ ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરવામાં આવી છે. રજૂઆત મુજબ, હોસ્પિટલમાં આવતા કેટલાક ગરીબ દર્દીઓને રૂ. 300 રોકડા આપવાની લાલચ આપવામાં આવતી હતી અને તેમને ઓન-પેપર (કાગળ પર) હોસ્પિટલમાં દાખલ બતાવી તેમના અમૃતમ કાર્ડમાંથી અંદાજે રૂ. 1,800 જેટલી રકમ ગેરકાયદે કાપી લેવામાં આવતી હતી. આ પ્રકારની ઘટના માત્ર એક જ નહીં, પરંતુ અનેક દર્દીઓ સાથે બની હોવાની પ્રબળ સંભાવના વ્યક્ત કરાઈ છે.

હોસ્પિટલના અધિક્ષકનો ખુલાસો અને તપાસના આદેશ
બીજી તરફ, આ સમગ્ર ગંભીર આક્ષેપો અંગે રાણપુર સીએચસીના અધિક્ષક ડોક્ટરે તમામ આરોપોને સદંતર નકારી કાઢ્યા છે. તેમનું કહેવું છે કે, આ અંગે રજૂઆત મળી છે અને સમગ્ર મામલે તંત્ર દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. તપાસના અંતે જ વાસ્તવિક હકીકત બહાર આવશે અને જો કોઈ પણ વ્યક્તિ દોષી કે ગેરરીતિમાં સંડોવાયેલી જણાશે તો તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

તંત્ર દ્વારા તપાસ શરુ કરાઈ
સરકારી યોજનાઓના નામે આ પ્રકારે દર્દીઓની મજબૂરીનો લાભ લેવાના આક્ષેપો કેટલા સાચા છે, તે તો સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટ થશે. હાલ તો સમગ્ર મામલે તંત્ર દ્વારા તપાસ શરુ કરાઈ છે, જેના પર સમગ્ર શહેરની નજર ટકેલી છે.
આ પણ વાંચો: Botad News: રાણપુર અને બરવાળા APMCના ચેરમેન-ડે. ચેરમેનની બિનહરીફ વરણી
